૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે
રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે
વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના નવીનીકરણના કામોનું ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા સિંચાઈ માટે મહત્ત્વનાં પાસાઓ એવી નાની સિંચાઈ યોજનાઓનો તબક્કા વાર નવીનીકરણ કરી સિંચાઈ માળખું બધું સુગમ બનાવવાનું બીડું ઉપાડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર વિસ્તારના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના નવીનીકરણના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ કામોનું જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, જલ એજ જીવન એવી ઉક્તિ સાથે વર્ષો પહેલાં નિર્માણ પામેલ બંન્ને નાની સિંચાઈ યોજનાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવવા માટે સૌની યોજનાની શરૂઆત કરી હતી. આજે સરદાર સરોવર જેવી ભગીરથ યોજના અને સૌની યોજના થકી સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ વિસ્તારમાં ઉનાળું પાક લઈ શકાય છે. વડાપ્રધાનનો સૌની યોજના થકી ખેડૂતોની આવક બમણી કરાવાનો નિર્ણય સાર્થક બન્યો છે.

વર્ષો પહેલાં કાચા રસ્તે વટેમાર્ગુ માટે પાણીના પરબ બંધાવવામાં આવતા હતા એવી જ રીતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી અભિગમ સાથે છેવાડાના લોકો સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. આજે વાંકાનેર તાલુકાના બે ગામ ઠિકરીયાળા અને મેસરિયા ગામમાં જે નાની સિંચાઈ યોજનાનું ૨.૭૫. કરોડનાં ખર્ચે રીનોવેશન થઈ રહ્યું છે તેનો મહત્તમ લાભ ખેડૂતોને મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં ઠિકરીયાળા ગામમાં આવેલી ઠિકરીયાળા નાની સિંચાઈ ૪.૦૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલી છે. જે ૬૧.૪૨ મિલિયન ઘન ફૂટ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. ૩.૭૨ કેનાલ નેટવર્ક ધરાવતી આ સિંચાઈનો ૩૧૦ હેક્ટર વિસ્તારને લાભ પહોંચાડે છે.આ સિંચાઈ માં હાલ પ્રથમ ચરણમાં ૧.૪૨ કરોડથી વધુનાં ખર્ચે બંધનો મુખ્ય ભાગ સંપૂર્ણ પણે રીનોવેશન કરવામા આવશે જેથી આ યોજનાની આવરદામાં વધુ ૫૦ વર્ષનો વધારો થશે અને ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે. રીનોવેશન થકી યોજનામાં વધારાનું પાણી જમીનમાં ઉતરવાથી ભુગર્ભ જળમાં રીચાર્જ થશે જેનાથી આજુબાજુના ખેડુતોના કુવામાં પાણી રહેવાથી પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થશે. અહીં માટી પાળ ઉપર પિંચિંગ કરી, હેડ રેગ્યુલટરનું નવીનીકરણ કરી જુનો વેસ્ટ તોડી નવો બનાવવામાં આવશે. જયારે યોજનાના દ્વિતિય ચરણમાં કુલ ૩.૭૨ કિમીમાંથી મોટાભાગની કેનાલ લંબાઈમાં કેનાલમાં આજુબાજુનું પુરાણ થયેલ છે જેનું દબાણ દુર કરી કેનાલનું નવીનીકરણ આવશે, આગામી સમયમાં કેનાલ માળખું પણ વિકસાવવામાં આવશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
