નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે
ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.


CGWB દ્વારા ગુજરાતના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વે કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી હેલી બોન સર્વે કરીને પાણીની ઉપલબ્ધતા જમીનના પ્રકાર તેમજ પાણીની ગુણવત્તા અંગેની જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી છે. આ કામગીરી સિનિયર વૈજ્ઞાનિક કાર્તિક પી ડોંગરે તેમજ તેમની સાથે વૈજ્ઞાનિક હિમેશ પંડ્યા અને એન. વીરાબાબુ દ્વારા જાન્યુઆરી-2022 હાથ ધરવામાં આવી હતી.


વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી બાદ મોરબી જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી પધ્ધતિ મુજબ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના વિગતવાર રિપોર્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) અંગે વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટની વેબ-સાઈટ https://cgwb.gov.in/ પર સંપૂર્ણ ભૂગર્ભ જળ અંગેની જુદી-જુદી માહિતી તેમજ સર્વેક્ષણની માહિતી ઉપલબ્ધ છે. હિન્દી ભાષામાં આ માહિતી ઉપયોગી બની રહે તેમજ કોઈપણ નાગરિક આ માહિતીનો લાભ લઈ શકે તે માટે વેબ-સાઈટની માહિતી કોર્ડ મારફત મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે.
