સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ તબાહી મચાવી તે સમયમાં ઇરાકથી મુલતાન તશરીફ લાવ્યા (ત્યારે મુલતાન હિન્દુસ્તાનનો જ એક ભાગ હતો)
“તારીખે ઊંચ” (ઊંચ હાલના પાકિસ્તાનના ભાવલપુર પ્રાંતમાં એક જગ્યાનું નામ છે) જેમાં લખ્યું છે કે ‘સૈયદ કબીરૂદીનના પરદાદા સૈયદ શમસુદીન સબ્ઝવારી હિજરી 598 માં મુલતાન તશરીફ લાવ્યા અને ત્યાં જ હિજરી 675 માં વફાત થઇ’ (સબ્ઝવાર ઇરાકનું એક ગામ છે)
સૈયદ પીર મશાયખ (રહે.) એ પોતાની કિતાબમાં આપનું નામ શમશુલહક લખ્યું છે, અને વંશાવલીમાં પણ એ જ નામ છે. પીર મશાયખ (રહે.) પોતાની કિતાબ મકતુલનામા માં લખે છે કે “હમારે દાદા શમશુલહક થે રે ઘરબારી, કે દરવેશ કહેલાતે માયા રે દહારી”
સૈયદ સદરૂદીન રહેમતુલ્લાહ અલયહે: સૈયદ શમસુદીન સબ્ઝવારીના પૌત્ર અને સૈયદ કબીરૂદીન હસન (રહે.) ના વાલીદે મોહરતમ (પિતા)નું નામ સૈયદ સદરૂદીન (રહે.) છે પાકિસ્તાનના ભાવલપુરના સરકારી ગેજેટ (સન 1904) માં લખ્યું છે કે “તેઓ મોટા ભાગે હિંદુઓ વચ્ચે રહેતા હતા અને આપે કેટલાય હિંદુઓને રાજીખુશીથી મુસલમાન બનાવ્યા” હિંદુઓ એમને ‘મચ્છરનાથ’ કહે છે, સિંઘના કેટલાય ખોજા એમના હાથે ઇસ્લામમાં દાખલ થયા અને એમણે જ સિંઘમાં આપનો રોઝો બનાવ્યો.
મુંબઈ ગેઝેટમાં લખ્યું છે કે “પીર સદરૂદીન ગુજરાતમાં તશરીફ લાવ્યા છે અને આપ કચ્છ તેમ જ કાઠિયાવાડમાં પણ રહેલા છે, તેમને માનનારા પોતાના પીર અને એમના વારસદારોને પોતાની આવકનો દસમો ભાગ આપતાં રહે છે ” આગાખાની મોમના તેમને માનનારા છે, તેમને “જુના મોમના” પણ કહેવામાં આવે છે અને ખોજાઓ પણ તેમને માને છે. મહમદઅલી ઝીણાનું ખાનદાન પણ સૈયદ સદરૂદીનના મુબારક હાથોથી રાજીખુશીથી ઇસ્લામમાં દાખલ થયેલ.
સૈયદ સદરૂદીન (રહે)ની વફાત “ઊંચ” (પાકિસ્તાન) માં થઇ છે, આપે વસિયત કરી હતી કે મારી વફાત બાદ મારી મૈય્યતને પેટીમાં બંધ કરી ઊંટ પર મૂકી દેવામાં આવે, અને જ્યાં એ ઊંટ બેસે એ જગ્યામાં મને દફન કરવામાં આવે.
આપની વસિયત પ્રમાણે આમ જ કરવામાં આવ્યું, ઊંટ ભાવલપુર રિયાસતના એક ગામ “તરીંદાગોરગંજ” ની પાસે થોભી ગયું અને ત્યાં જ આપની મજાર બનાવવામાં આવી, ત્યારથી એ ગામ ‘સદરશાહ’ નામથી જાણીતું છે, જે ઊંચથી 25 કિલોમીટર દૂર છે, ભાવલપુર પીર સદરૂદીનને “ચૌરાસી રોઝવાળા સાહેબ” કહે છે કારણ કે આપના વિષે એવું જાહેર છે કે આપની ઔલાદમાંથી ચૌરાસી ઔલિયા થયા છે, પીર સદરૂદીન 692 હિજરીમાં મુલતાનમાં પૈદા થયા અને એકસો અઢાર વર્ષની ઉંમરે હિજરી 810 માં આપની વફાત થઇ.
સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે
સૈયદ સદરૂદીન (રહે) ને પાંચ પુત્રો હતા (1) કબિરુદીન (2) ઝહિરુદીન (3) ગ્યાસુદીન (4) તાજુદીન અને (5) રુકનુદીન. આ પાંચ ભાઈઓમાંથી સૌથી વધુ નામના આપણા વડવાઓને કલમો પઢાવનાર હઝરત કબિરુદીન (રહે) ને મળી, પીર મશાયખના વડવાઓમાં સૌથી પહેલા હિંદુસ્તાનમાં તશરીફ લાવનારા બે બુઝુર્ગો સૈયદ શમસુદીન અને સૈયદ સદરૂદીન છે.
મોમીન કૌમ પર સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહેના લાખ લાખ એહસાન છે, જેમણે આપણા વડવાઓને કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કર્યા, (આપના જ ઘરાનામાંથી સાતમી પેઢીએ સૈયદ પીર મશાયખ (રહેમતુલ્લાહ અલયહે) પેદા થયા જેઓ મોમીન કૌમના બીજા ‘મોહસીને આઝમ’ છે). ‘મોમીન કોમ એના ઇતિહાસના આયનામાં’ (ગુજરાતી અનુવાદ) મુજબ કુફ્ર શિકનની પેદાઈશ લગભગ 716 હિજરીમાં થઇ અને વફાત 896 હીજરીમાં (સન 1474 માં) થઇ છે, અત્યારે 1447 હિજરી ચાલે છે, યુ ટ્યુબમાં પૈદાઈશ હિજરી 742 (સન 1341) અને વફાત 853 (સન 1449) બતાવાઈ છે “હઝરત પીર મશાયખ ચિશ્તી (રહે) નું જીવન ચરિત્ર” માં આપની ઉંમર 160 વર્ષ છપાઈ છે, પરંતુ વફાત 896 હીજરીમાં જ થઇ હોવાનું છપાયું છે (અલ્લાહ બેહતર જાણે છે: મોગલ બાદશાહ બાબર 15/2/1483 માં જન્મેલો, ત્યારે દિલ્હી પર મુહંમદ ઘોરીના ગુલામ વંશ, ખીલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશના શાષનના અંત પછી લોદી વંશનું રાજ હતું, બાબરે 1526 માં દિલ્હી પર પહેલો વિજય મેળવેલો)
‘ખઝીનતુલ અસફિયા’ માં છે કે સૈયદ કબીરૂદીન (રહે) સુહરાવર્દી સીલસીલાનાં મશહૂર બુઝુર્ગ મખદૂમ જહાંનિયા જહાંગશ્તની ઔલાદમાંથી કોઈકના મુરીદ હતા અને એમનાથી જ ફૈઝ અને બરકતો મેળવીને કમાલાતના દરજ્જા સુધી પહોંચ્યા ‘અખબારુલ અખ્યાર’ માં લખ્યું છે કે સૈયદ કબીરૂદીનની ઝીંદગીનો ઘણો હિસ્સો દેશ-વિદેશના પ્રવાસોમાં વીત્યો છે, અલ્લાહે આપને એવી બુલંદ બરકતોથી નવાજ્યા હતા કે જેનાથી મોટી મોટી કરામતો જનમ લેતી હતી, ખાસ કરીને હંમેશા ચમત્કારોમાં માનતા હિંદુઓએ એ કરામતો જોઈ-જોઈને રાજીખુશીથી ઇસ્લામમાં દાખલ થઇ જતા હતા, કિતાબ ‘આબે કૌસર’માં લખ્યું છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં નિઝામી સિલસિલાથી વધારે સુહરાવર્દી સીલસીલાનો ફેલાવો થયેલ છે, એ સીલસીલામાં મુખ્ય મથકો મુલતાન અને ઊંચ હતા, સિંધ અને ગુજરાતમાં મોટું અંતર નથી, તેથી એ સીલસીલાના બુઝુર્ગો મોટી સંખ્યામાં ગુજરાતમાં આવ્યા, અને એની શરૂઆત એ સમયમાં થઇ હતી કે જે સમયમાં અમદાવાદની સ્થાપના થઇ નહોતી, અને પાટણની આબાદી પૂરબહારમાં હતી. આપનો મઝારશરીફ ઊંચ (પાકિસ્તાન)માં છે. આપનો ઉર્ષ મુબારક સફર મહિનાના 27 ચાંદે મનાવવામાં આવે છે.
સૈયદ રહેમતુલ્લાહ (રહે.): સૈયદ કબીરૂદીનને ઘણા પુત્રો હતા (એક માહિતી પ્રમાણે 18 પુત્રો હતા) જેમાં સૈયદ રહેમતુલ્લાહ (રહે.) મોટા દીકરા છે તેઓએ લાહોર અને ભાવલપુરમાં પોતાની જિંદગી પસાર કરી, આપનો મજાર ભાવલપુરથી 70 કિલો મીટર દૂર ખૈરપુરની આસપાસ જંગલમાં છે. (પીર મશાયખનો સિલસિલો સૈયદ રહેમતુલ્લાહથી જ મળે છે)
સૈયદ બડે મશાયખ (રહે.): સૈયદ કબીરૂદીનના પૌત્ર છે, સૈયદ પીર મશાયખ (રહે.) એ પોતાની કિતાબમાં લખ્યું છે કે મોમીન કૌમના કેટલાક માણસો લાહોર જઈને સૈયદ બડે મશાયખ (રહે.) ને કડીમાં લઇ આવ્યા, આપે કડીમાં જ્યાં સૈયદ કુટુંબો રહેતા હતા, ત્યાં જ મુકામ કર્યો, એ મહોલ્લાનું નામ ‘સૈયદપુરા’ હતું, પણ સૈયદ બડે મશાયખના કારણે મોમીન કૌમના માણસો પણ ત્યાં રહેવા લાગ્યા, તેથી તેનું નામ ‘મોમીનપુરા’ થઇ ગયું છે, જે આજે પણ મોમીનપુરા તરીકે જાણીતું છે, (‘મશાયખવાણી’ લખનાર અને આ હસ્તી અલગ અલગ છે, મોમીનપુરા નામ વડવાઓએ ઇસ્લામ કબૂલ કર્યાનું સ્થળ હોવાનું પ્રમાણ મળતું નથી પણ વધુ વસ્તી મોમીનોની હોવાથી પડેલ હોઈ શકે છે)
સૈયદ બડે મશાયખ (રહે.) કડી તશરીફ લાવ્યા ત્યારે પાટણ વિસ્તારમાં રાજાઓનું રાજ હતું, પણ થોડા સમય બાદ જ બાદશાહ અકબરે દિલ્હીની હકુમતમાં (સન 1572/1573 માં) સામેલ કરી લીધું હતું, આપે અહીં મોમીન કૌમની સુધારણાનું કામ શરૂ કર્યું, પણ કૌમના જાહિલ અને બેદીન લોકોએ હેરાન કરવાનું શરૂ કરી દેતા નિરાશ થઈને આપ લાહોર પરત જવા રવાના થયા, પરંતુ આપ જયારે દિલ્હી પહોંચ્યા ત્યારે આપ ત્યાં જ વફાત પામ્યા, બાદશાહ અકબરનો એ જમાનો હતો, આપનો મજાર દિલ્હીમાં જ છે.
સૈયદ અબુલ હસન (રહે.): આપ બડે મશાયખ (રહે.) ના દીકરા અને સૈયદ કબિરુદીન (રહે.)ના પ્રપૌત્ર છે, આપના વાલિદ જયારે લાહોર પાછા જવા લાગ્યા તો કડીમાં આપને આપના નાયબ બનાવીને ગયા હતા, એમની બાદ એમના ફરઝંદ ઝૈનુદીન અને એમની બાદ એમના ફરઝંદ સદ્દરૂદિન અને એમના ફરઝંદ સૈયદ ફાઝીલશાહ અને એમના ફરઝંદ એટલે મોહસીને કૌમ પીર મશાયખ (રહે.) થયા છે.
આપણે જોયું કે સૈયદ રહેમતુલ્લાહ, સૈયદ કબિરુદીન (રહે.) ના મોટા દીકરા છે, સૈયદ કબિરુદીન (રહે.) ના બીજા નંબરના દીકરા સૈયદ ઇમામુદીન (રહે.) છે, જેમનો મજાર શરીફ અમદાવાદ પાસે પીરાણા ગામમાં છે, આપ ‘સતપંથી’ તરીકાના સ્થાપક છે. જયારે સૈયદ રહેમતુલ્લાહ (રહે) મશાયખવાણી લખનાર પીર મશાયખ (રહે.)ના વડદાદા છે.
(આ લેખ સંપાદિત છે -આપણા વડવાઓએ ઇસ્લામ કબૂલ કરેલ એ ઘટના હવે પછી: નઝરૂદીન બાદી)
ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે – નઝરૂદીન બાદી.
