પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ
આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે
પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ
કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા
વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેના ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કાર્ય હતા, સૌ પહેલા ભાજપ પાર્ટીના ઉમેદવારો પક્ષના ટેકેદારો સાથે તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા હતા. પ્રમુખ તરીકે લુણસરીયાના કૈલાસબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે સરતાનપરના દેવુબેન હનુભાઈ વિંઝવાડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી,
ત્યારે ભાજપના ચૂંટાયેલા સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખ ગુલમામદ બ્લોચ, પીપળીયા રાજના હુસેનભાઇ શેરસીયા અન્ય હોદેદારો, કોળી અને ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર પછી કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કાર્ય હતા. સિંધાવદરના કુલસમબાનુબેન ઉસ્માનગની પરાસરાએ પ્રમુખપદ માટે અને તીથવાના ખોરજીયા રહીમભાઈ જલાલભાઈએ ફોર્મ રજૂ કાર્ય હતા. એમની સાથે શકીલબાવા, માજી પ્રમુખ યુનુસભાઇ શેરસીયા સહિત કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્યો અને પક્ષના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ફોર્મ ભર્યા પછી જોધપરના યુનુસભાઇ શેરસીયાએ કમલ સુવાસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી પાસે બહુમતી નથી, પણ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા છે, લોકશાહી ઢબે અમે ચૂંટણી લડીશું.
આ પછી વખાણવા લાયક વાત એ બની કે કોંગ્રેસના સભ્યો જતા હતા, ત્યારે તેમને રોકીને પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ ચા પીવાનું આમંત્રણ આપ્યું, જે સ્વીકારી સૌ ભાજપ- કોંગ્રસ કાર્યકરોએ હસતા મોઢે ચા પીધી. વાતાવરણમાં ક્યાંય આછકલાઈ કે ટેંશન જેવી વાત નહોતી. ચા પીતા કોંગ્રેસના યુનુસ શેરસીયા અને શકીલબાવાએ ભાજપના આગેવાનોને જીતના અભિનંદન આપ્યા. તંદુરસ્ત લોકશાહીને શોભે એવું આ મોરપીંછ છોગુ ગણી શકાય.
આવતી કાલે મતદાન ચૌદ તારીખે બપોરે બાર વાગે મતદાન થશે. પરિણામ લગભગ નક્કી જ છે.