અપહરણનો ગુનો નોંધાયો
વાંકાનેર: ટંકારામાં રહેતી 16 વર્ષની સગીરા દાદી સાથે રાજકોટ આવ્યા બાદ બસપોર્ટ પરથી લાપતા બની હતી. વૃધ્ધા રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે આંખનું ઓપરેશન કરાવ્યું હોવાથી તપાસ કરાવવા માટે આવ્યા હતા ત્યારે પૌત્રીને સાથે લાવ્યા હતાં. બાદમાં બસપોર્ટ પરથી સગીરા લાપતા બની હતી. સગીરાની માતાએ આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી છે.

મળેલ માહિતી મુજબ ટંકારામાં રહેતી મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની 16 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેના સાસુએ રાજકોટ ખાતે રણછોડદાસ બાપુ આશ્રમમાં આંખનું ઓપરેશન કરાવ્યું હતું. જેની તપાસ માટે ગત તા.16 ના રોજ તેના સાસુ સાથે તેની 16 વર્ષની દીકરી પણ રાજકોટ આવી હતી.

તપાસ બાદ રાજકોટમાં રહેતા તેના નણંદના ઘરે રોકાયા બાદ ગત તા. 17 ના વૃદ્ધા અને સગીરા ઘરે પરત ફરવા રાજકોટ બસ સ્ટેન્ડે ગયા હતા. ત્યારે સગીરાએ તેની માતાને તેની પાસે રહેલ ફોન દ્વારા જણાવ્યું હતું કે, બસ હજુ આવી નથી બસની રાહ જોઈએ છીએ.બાદમાં મહિલાએ 11 વાગ્યા આસપાસ સગીરાને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. મહિલાને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જે ફોન તેમના સાસુએ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે લઘુશંકા માટે ગયા હોય ત્યારે દીકરી બહાર તેની રાહ જોતી હતી. બહાર આવીને જોતા દીકરી ક્યાંક જોવા મળી ન હતી.

આથી મહિલાએ સાસુને ઘરે પરત આવી જવા જણાવ્યું હતું અને મહિલા અને તેના પતિ રાજકોટ બસ સ્ટેન્ડે આવી આસપાસ તપાસ કરી તેમજ તેના સંબંધીઓના ઘરે પણ તપાસ કરતા કોઈ ભાળ ન મળતા આખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સગીરાની સગડ મેળવવા શોધખોળ શરૂ કરી હતી.
