સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતુ કે, મેળામાં લોકોને કોઈપણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
કલેકટરે પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્યાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. વધુમાં તેમણે તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું. મેળાઓમાં કોઈપણ જાતનો અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળામાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રએ મેળા સંદર્ભે તૈયાર કરેલી એસ.ઓ.પી.નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.