વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ
અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના પગલે વિકાસ કમિશનર કચેરી દ્વારા દિવાળીના તહેવારોમાં પગારમાં વિલંબ ન થાય તે માટે જે કર્મચારીઓનું પ્રિશા સોફ્ટવેરમાં વેરિફિકેશન બાકી છે તેમના પગાર બિલ પ્રિશા સોફ્ટવેરમાંથી કરવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આ છૂટછાટ 18 નવેમ્બર સુધી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ જિલ્લાઓમાં પ્રિશા સોફ્ટવેરના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. 19 નવેમ્બરથી પ્રિશા સોફ્ટવેરના માધ્યમથી જ પગાર બિલની ચૂકવણી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષકોના પગાર-ભથ્થા માટે પ્રિશા સોફ્ટવેરમાં પડતી મુશ્કેલીઓને લઈને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સંઘ દ્વારા અગાઉ પણ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી હતી. જેમાં પ્રિશા સોફ્ટવેરથી શિક્ષકોના પગાર-ભથ્થાં કરવા માટે પડતી મુશ્કેલીઓ અને ક્ષતિઓ ધ્યાને મૂકી હતી. જોકે, જે તે વખતે કરવામાં આવેલી રજૂઆત બાદ ઝડપથી ખામીઓ દૂર કરાયા બાદ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી સરળતાથી કરી શકાશે તેમ જણાવાયું હતું. પરંતુ હજુ સુધી આ ડેટા એન્ટ્રી કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાનું સામે આવતા ફરી રજૂઆત કરવામાં આવી હતી.
પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિવાળી પર્વ આવતું હોઈ હાલ પૂરતો પગાર SASમાં કરવામાં આવે અને પ્રિશા સોફ્ટવેરમાં જે અપડેટ કરવામાં આવે છે તે ઝડપથી અપડેટ કરી સરળતાથી ડેટા ભરી શકાય તે રીતનું સોફટવેર અપડેટ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. દરમિયાન, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રિશા સોફ્ટવેરને લઈને રજૂઆતો મળ્યા બાદ વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, રજિસ્ટ્રેશન તથા વેરિફિકેશનની કામગીરીની સમીક્ષા કરતા ઘણા જિલ્લાઓમાં વેરિફિકેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી વેરિફિકેશન બાકી હોય તેવા કર્મચારીઓના પગાર બિલ પ્રિશા સોફ્ટવેરના માધ્યમથી જનરેટ કરી શકાતા નથી. આ બાબતે વિકાસ કમિશનર કચેરીને રજૂઆતો મળતા મર્યાદિત સમય માટે પ્રિશા સોફ્ટવેર મારફતે બિલો બનાવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ જિલ્લા-તાલુકા કક્ષાએથી કામગીરીના ભારણને કારણે તેમજ આગામી દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાને લઈ આ છૂટછાટને લંબાવવા માટે રજૂઆતો મળી હતી.
રજૂઆતોના અનુસંધાને તથા આગામી તહેવારોના દિવસોમાં કોઈ પણ કર્મચારી પગાર મેળવવાથી વચિંત ન રહે તે માટે જે કર્મચારીઓની પ્રિશા સોફ્ટવેર મારફતે વેરિફિકેશન કામગીરી પૂર્ણ થવાની બાકી હોય તેવા કર્મચારીઓના પગાર બિલ આગામી 18 નવેમ્બર સુધી પ્રિશા સોફ્ટવેર મારફતે ચુકવણા કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ છૂટછાટ ખાસ કિસ્સામાં આપવામાં આવેલી હોવાથી 18 નવેમ્બર બાદ પણ જો કર્મચારીઓના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ ન થવાના કારણે જો કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તો તે અંગેની જવાબદારી જે તે જિલ્લાની રહેશે. 19 નવેમ્બરથી તમામ બિલો પ્રિશા સોફ્ટવેરના માધ્યમથી જ કરવાના રહેશે.