ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન
વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.
શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવના ભાગરૂપે શનિવારે તા.1પના રાત્રે 9.30 કલાકે હવેલી ખાતે શ્રી વધાઇ કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના તા.16ના રોજ પ્રાગટય દિવસે સવારે 6 કલાકે હવેલી ખાતેથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવેલ છે. જે શહેરના રાજમાર્ગો પર ફરી નિજહવેલી ખાતે પહોંચશે જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ સમાજ ભાગ લેશે.
પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ સવારે 7.1પ કલાકે હવેલી ખાતે ધ્વજવંદન થયા બાદ શ્રીજીના મંગલા દર્શન 7.4પ કલાકે સમસ્ત વૈષ્ણવ પરિવારો માટે ખુલ્લા મુકાશે ત્યારબાદ પલના તથા તિલક દર્શનનો સમગ્ર વૈષ્ણવ સમાજ લાભ લેશે.સાંજે 4 થી 6 સર્વોતમના પાઠનું હવેલી ખાતે યોજાશે. જેનો વૈષ્ણવ પરિવારોએ લાભ લેવા પ્રમુખ ગુલાબરાય જી. સુબા, મંત્રી મુકેશભાઇ મહેતા તથા મુખ્યાજી પ્રેમજીભાઇ જોષી દ્વારા જણાવાયું છે.
સાંજે 6 કલાકે અત્રે રામચોક ખાતે આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ તથા હવેલીના ટ્રસ્ટી મંડળ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું રજવાડી ઠાઠમાઠ સાથે અદકેરૂ સન્માન કરશે.ત્યારબાદ બ્રહ્મસમાજની વાડી ખાતે સાંજે 7.30 કલાકથી સમસ્ત વૈષ્ણવ પરિવારજનો ધ્વજબંધ મનોરથ (મહાપ્રસાદ) શરૂ થશે તો શહેરભરના વૈષ્ણવ પરિવારોને કાર્યક્રમોનો લાભ લેવા ગોવર્ધનલાલજી, બાલકૃષ્ણલાલજીની હવેલી તથા પુષ્ટી સંસ્કારધામ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે.