મચ્છુ-1 માંથી પાણી લઇ જવાની રજુઆત
વાંકાનેર તરસ્યું ન રહેવું જોઈએ
વાંકાનેર: અખબારી અહેવાલો મુજબ રાજકોટને આગામી એપ્રીલ માસથી નર્મદા પાઈપ લાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થવાનું હોય તેના વિકલ્પે રાજકોટને મચ્છુમાથી પાણી આપવા માટે એક મહાપાલિકાનુંપ્રતિનિધી મંડળ આજે ગાંધીનગર પહોંચ્યું હતું. ત્રણ ધારાસભ્યોને સાથે રાખીને રાજકોટને એપ્રીલ અને મેં માસમાં પાણી આપવા માટે ખોળો પાથરવામાં આવ્યો હતો…
મુખ્યમંત્રીને મળવા પ્રતિનિધી મંડળ ગયું હતું પણ મુખ્યમંત્રી વ્યસ્ત હોય મેયર અને આગેવાનો પ્રભારી મંત્રી રાઘવજી પટેલને સાથે રાખીને પાણી પૂરવઠા મંત્રીને મળ્યા હતા. એપ્રીલ અને મે માસમાં સૌની અને પાઈપલાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થાય તો ૨૦ મીનીટ પાણી વિતરણ અશકય બને તેમ હોય સ્થાનિક સ્તરે અનેક બેઠકો કરી તેનો વિકલ્પ શોધીને ગાંધીનગર રજૂઆત કરવા માટે
મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, મનીષ રાડિયા વિગેરે ત્રણ ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા અને ડો. દર્શિતાબેન શાહ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા આ પ્રતિનિધી મંડળ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને મળવા ગયા હતા અને ત્યાં આ રજૂઆતો કરી મચ્છુ-૧માંથી ૮૦ એમ.એલ.ડી. પાણી મળે તેવી ડિમાંડ મૂકી હતી.૧૩૫ એમ.એલ.ડી.ને બદલે ૮૦ એમ.એલ.ડી. પાણી મચ્છુ-૧માંથી કણકોટ, હડાળા થઈ બેડી અને ન્યારા પહોંચે તો
સમસ્યા ઉભી થાય તેમ નથી. બાકીનું પાણી આજી-૧માંથી વધારે લઈને વિતરણ જાળવી શકાય તેમ છે. મંત્રી બાવળીયાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું પાણી પુરવઠા સમિતિના ચેરમેન અશ્વીન પાંભરે કહયું હતું. રાજકોટને પાણી અપાય, તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ વાંકાનેર તરસ્યું રહેવું જોઈએ નહીં, એવું આયોજન થવું ઘટે…