ધ્રાંગધ્રા ડેપોની 30 વર્ષથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસ દોડતી હતી
10થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને એક જ બસ હતી, તે બંધ થતા મુશ્કેલી
વાંકાનેર: ધ્રાંગધ્રા ડેપો દ્વારા લગભગ ૩૦ વર્ષથી વધુ સમયથી ધ્રાંગધ્રા રાજકોટ તથા રાજકોટ ધ્રાંગધ્રા વાયા વાંકાનેર રૂટની બસ દોડતી હતી જેને ધ્રાંગધ્રા ડેપો દ્વારા કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવતા હળવદ થી વાંકાનેર વચ્ચે આવતા અનેક ગ્રામ્ય પંથકના લોકો માટેનું એક સાધન બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રા ડેપો દ્વારા ધ્રાંગધ્રાથી ઉપડી વાયા માથક , ચૂપણી, ખેતરડી , જાંબુડિયા , પલાસ થઈ વાંકાનેર અને રાજકોટ મુજબ નો રૂટ લગભગ છેલ્લા 30 વર્ષથી સતત ચાલતો હતો જેને કારણે ૧૦ થી વધુ ગામના લોકો ને વાંકાનેર આવવા જવા માટે સગવડતા મળતી હતી. માથક અને કડિયાણા સુધીના માલધારીઓ દૂધમાંથી બનાવેલો માવો વેચવા વાંકાનેર આવવા માટે સુધી એક જ બસ ચાલતી હતી તેમાં આવતા જતાં હતાં.
તેમજ માંથકથી વાંકાનેર તરફના તમામ ગામડાઓની ખરીદી વાંકાનેર હોવાથી આ બધા જ ગામડાના લોકો માટે આ આશીર્વાદ સમાન બસ દોડતી હતી જેમાં પેસેન્જર પણ મળી રહેતા હતા છતાં તંત્રની અણઘડ વહીવટના કારણે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવતા માલધારીઓ , નિયમિત અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જર ની મુશ્કેલી વધી ગઈ છે.
વાંકાનેર તાલુકા સેન્ટર હોવાથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આં બસ મા અપ ડાઉન કરતા હોય છે ત્યારે શાળાઓ ખુલતાની સાથે જ આવવા જવા માટેની એક માત્ર બસ કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ છે.
એસ.ટી. નિગમ નહિ નફો નહિ નુકસાનના ધોરણે કામગીરી કરી રહી હોય ત્યારે જે રૂટ મા પૂરતો ટ્રાફિક મળતો હોય તે રૂટ ને બંધ કરવો કેટલો યોગ્ય કહેવાય તેવું લોકોના મનમાં સવાલ પેદા થાય છે. બંધ કરવામાં આવેલ ધ્રાંગધ્રા રાજકોટ રૂટની બસ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
જો નહિ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે ગ્રામ્ય પંથકના લોકોને આંદોલન કરવાની ફરજ પડશે તેવું પ્રજાજનોએ જણાવ્યું છે હવે જોવું રહ્યું કે એસ.ટી. તંત્ર લોકોની સુખાકારી માટે રૂટ શરૂ કરશે કે પછી પ્રજાજનોએ આંદોલન નો રસ્તો અપનાવવો પડશે.
બસ બંધ થવા બાબતે ધ્રાંગધ્રા ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વાહનોની ઘટ હોવાના કારણે ધ્રાંગધ્રા રાજકોટ રૂટની બસ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે જે રૂટમા પૂરતી આવક થતી હોય અને અનેક ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જર નિયમિત રીતે આવન જાવન કરતા હતા, તેને વાહનની ઘટને કારણે બંધ કરવામાં આવી હતી; તે વાત લોકોના ગળે ઉતરતી નથી.