જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવાર વાંકાનેરના દિવ્યેશ ચાવડાને કન્ડક્ટરનો થયો કડવો અનુભવ
વાંકાનેર: જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખ્યાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત થયેલી અને સરકારે એવી પણ જાહેરાત કરેલી કે, “પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે, જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારઓએ નોધ લેવી.”
જોકે આ જાહેરાત અમુક અંશે પોકળ સાબિત થઈ. વાંકાનેરના દિવ્યેશ ચાવડા નામના ઉમેદવારે જણાવ્યું કે, તે અને તેના સાથી ઉમેદવાર એમ બંને ગત રાત્રે 12 વાગ્યે વાંકાનેરથી ટ્રેનમાં જામનગર પહોંચ્યા હતા. અહીંના પરીક્ષા કેન્દ્રમાં તેઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. વહેલી સવારે જામનગર પહોંચ્યા ત્યારે તેઓને જાણ થઈ કે પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ ઉમેદવારોએ પરત જવા ભાડું ન ચૂકવવું પડે તે માટે સરકારે એસટી બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરી છે. જેથી તેઓ ત્રણેય ઉમેદવાર જામનગર બસ સ્ટેશન આવ્યા વાંકાનેર સીધી બસ ન મળે તે માટે તેઓ જામનગરથી રાજકોટ અને રાજકોટથી વાંકાનેર જવાના હતા. જોકે અહીં તેઓ રાજકોટ આવવા માટે એસટી બસમાં બેઠા ત્યારે કન્ડક્ટરે કહીં દીધું કે આ એક્સપ્રેસ બસ છે ટિકિટ લ્યો અથવા બસમાંથી ઉતરી જાવ. દિવ્યેશ અને તેના મિત્રએ કોલ લેટર બતાવ્યો તેમ છતાં તેમની પાસેથી ટિકિટના રૂપિયા વસુલ કરાયા.
આ બન્ને ઉમેદવારો એ જે મુશ્કેલી પડી તેની વ્યથા મીડિયા સમક્ષ વર્ણવી પરંતુ આવા તો હજારો ઉમેદવાર હશે જેણે મૂંગે મોઢે મુશ્કેલી સહન કરી લીધી હશે. ઉપરાંત એવા પણ કિસ્સા જોવા મળ્યા જેમાં બસ ચાલકોએ ઉમેદવારોને જોઈ બસ થોભાવી જ ન હોય. સરકારે અને પંચાયત પસંદગી બોર્ડ માત્ર જાહેરાત કરી દીધી. ખરેખર આ અંગે વ્યવસ્થાનો અભાવ હતો.
