ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે
વાંકાનેર: ખનીજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે. આ પરિપત્રના લીધે જીપીએસ સીસ્ટમ નહીં લગાડેલી હોય તેવા વાહનો સામે કાર્યવાહી કરાશેના આદેશ છુટતા ખાણખનીજ વિભાગ દ્વારા તવાઇ બોલાવતા રેતી-કપચી સહીતનું પરિવહન સપ્લાયર્સ દ્વારા બધ કરી દેવાતા તેની અસર બાંધકામ સાઇટો ઉપર પડી છે અને મોટાભાગના બાંધકામોને બંધ કરવાની ફરજ પડી છે.
આ અંગે રેતી-કપચીના વેપાર સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે ખાણ-ખનીજ વિભાગ દ્વારા જીપીએસ સિસ્ટમ નહીં લગાડનાર સામે અચાનક ઝુંબેશ શરૂ કરવામાં આવતા રેતી અને કપચીનો વેપાર કરનાર પણ મુંજવણમાં મુકાઇ ગયા છે. જીપીએસ સિસ્ટમ નહી લગાડનારને રોયલ્ટી મળી રહી નથી અને રોયલ્ટી નહી મળવાના કારણે ખાણખનીજ વિભાગ દ્વારા આવા ટ્રક રોકી અને ડિટેઇન સહીતના દંડની કાર્યવાહી કરવામા આવી રહી હોય ભારે મુશ્કેલી સર્જાણી છે અને વેપાર ધંધા બંધ કરવાનો વારો આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીથી છેલ્લા એક અઠવાડીયાથી વાહનો બંધ કરી દઇ મુકી દેવામા આવ્યા છે. મોરબીમાં પણ આ કામગીરી કરવામા આવતા મોરબીમાં પરિવહન જડબેસલાક બંધ કરી દેવામાં આવ્યું છે. મચ્છુ નદીની રેતીની સપ્લાય થાય છે. છેલ્લા અઠવાડીયાથી ખાણખનીજ દ્વારા કાર્યવાહી કરાતા નદીઓમાંથી સપ્લાય બંધ થતા તેની અસર ચાલુ બાંધકામો ઉપર પડી છે અને હાલ ચાલુ બાંધકામો બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા એક અઠવાડીયાથી કામગીરી બંધ થતા ખનીજ સાથે સંકળાયેલા હજારોની રોજીરોટી બંધ થઇ છે અને દિવાળીના તહેવાર ઉપર તંત્ર ત્રાટકતા ગરીબ લોકોની દિવાળી બગડશે તેવો ભય વ્યકત કર્યો હતો. એસોસિએશનની રજુઆત છે કે માઇનિંગ કંપનીના ખાનગી કામને લઈને આ પ્રકારની પ્રક્રિયા કેમ તેને લઈને પ્રશ્ન સર્જાયો છે. સાથે જ આ કામ સાથે જોડાયેલી એક લાખ જેટલી ટ્રકો અને મશીનરી માટે બજારમાં જીપીએસ મશીન અપૂરતા હોવાનો પણ બચાવ રજૂ કરવામાં આવ્યો છે. મુક્તિ મળે તેવી એસોસિએશન સરકાર પાસે આશ રાખી રહ્યા છે.