લુણસરીયાના બનાવમાં પોલીસે ચોટીલાના ડાકવડલા ગામના ભાઈસંગને ઝડપી લીધો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે દેશી દારૂ ભરેલી ઇકો કારના ચાલકે દારૂના ચિક્કાર નશામાં ચૂર બની બેફિકરાઈથી પુરઝડપે ઇકો કાર ચલાવી સુરાપુરા દાદાના મંદિરના ઓટલા સાથે અથડાવતાં પોલીસે અકસ્માત સર્જનાર ચોટીલા તાલુકાના ડાકવડલા ગામના આરોપીને ઝડપી લીધો હતો, જો કે ઈકોમા બેઠલો અન્ય શખ્સ નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે ઇકો કારમાં 175 લીટર દેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલા ચોટીલા તાલુકાના ડાકવડલા ગામના કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયાએ દારૂના ચિક્કાર નશામાં પોતાની ઇકો પૂર ઝડપે બેફિકરાઈથી ચલાવી લુણસરીયા ગામ પાસે હનુમાનજીના મંદીર સામે સુરાપુરાના ઓટા પાસે ભટકાડી દેતા પોલીસે આરોપી કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયાને સ્થળ ઉપરથી રૂ.3500ની કિંમતના દેશી દારૂ તેમજ 2 લાખની કિંમતની ઇકો કાર સાથે ઝડપી લીધો હતો. જયારે ઇકો કારમાં સાથે બેઠેલો ચોટીલા તાલુકાના ખાટડી ગામનો લાલો કોળી નામનો શખ્સ નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.