નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તેવી શક્યતા
ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને શુક્રવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ (ASR) અર્થાત જંત્રી- 2011નું રિવિઝન કરવા આદેશો આપ્યા છે. જેમાં જંત્રીના સરવેની કામગીરી હાથ ધરતા પહેલા સ્ટેક હોલ્ડર્સ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમના સૂચનો રજૂઆતો સાથે મિટિંગનો રિપોર્ટ મોકલવા કહેવાયુ છે.
રાજ્યમાં જમીન અને જમીન સંલગ્ન મિલકતમાં સરકારી રાહે તળિયાની કિંમત ઠેરવતા જંત્રીના રેટ્સમાં 12 વર્ષથી કોઇ જ વધારો થયો નથી 1લી એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા નાણાકીય વર્ષ 2023- 24 દરમિયાન ગુજરાત સરકાર તેમાં વધારો કરશે તેમ નિશ્ચિત મનાય છે. તેની માટેના કાઉન્ટડાઉનનો આરંભ થયાના સંકેતો શુક્રવારે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની સહીથી પ્રસિધ્ધ કચેરી આદેશમાંથી વહેતા થયા છે. જેમાં સ્પષ્ટપણે જંત્રી સરવેની કામગીરી હાથ ધરતા પહેલા કલેક્ટરોને હિતધારકો સાથે બેઠક યોજવા કહેવાયુ છે. દરેક જિલ્લામાં બિલ્ડર્સ, લેન્ડ ડેવલપર્સ, જમીન માલિકોથી લઈને વિકાસકારો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એસોસિયેશનો સાથે યોજાનારી બેઠકમાં કલેક્ટરોને તેમના સુચનો, રજૂઆતો મેળવીને તેની કાર્યવાહીની નોંધ અહેવાલ સ્વરૂપે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીને મોકલવા કહેવાયુ છે. રિપોર્ટ સબમિટ કરવા કલેક્ટરોને 20 દિવસની મહેતલ આપી છે.
ઉલ્લેખનિય છે કે, 20 દિવસ બાદ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્ર માટે વિધાનસભાનુ સત્ર મળી રહ્યુ છે. આથી, નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તો નવાઇ નહી.