મંડોર-વાંકાનેર ST બસના ડ્રાયવર-કંડક્ટરને પોલીસ હોવાનું કહીને માર મારેલો
મહિલાએ પોલીસમાં હોવાનું અને પુરૂષે LCBમાં હોવાની ઓળખ આપી હતી
દાહોદ ST બસ સ્ટેશનથી મંડોર-વાંકાનેર રૂટમાં ચડેલી મહિલા મુસાફરે કંડકટર સાથે બોલાચાલી કરી હતી અને પોલીસ હોવાનો રોફ જમાવી એક શખ્સને ચોટીલા બોલાવી બન્નેએ ડ્રાઈવર-કંડકટરને માર માર્યો હતો.
રાજકોટમાં રહેતા જીતેન્દ્રસીંહ જયસીંહ ઝાલા વાંકાનેર ડેપોમાં ફરજ બજાવે છે. તેઓ મંડોર-વાંકાનેર રૂટની બસ લઈને આવતા હતા. ત્યારે દાહોદમાં સ્માર્ટસીટીનું કામ ચાલતુ હોઈ બસ મોડી પહોંચી હતી. આ સમયે દાહોદથી રાજકોટનું બુકીંગ કરાવેલ મુસાફર હીનાબેન અજીતસીંહ ગોહીલે બસમાં બેસી કંડકટરને પોતે પોલીસ હોવાનું કહી ગેરવર્તન કર્યુ હતુ. બીજી તરફ કોઈને ફોન કરી ચોટીલા બોલાવ્યા હતા. અને ચોટીલા ડેપોમાં બસ પહોંચતા કાર લઈને આવેલા ધવલ જયસુખભાઈ હડીયેચાએ પોતે LCBમાં હોવાની ખોટી ઓળખ આપી કંડકટર જીતેન્દ્રસીંહ, ડ્રાઈવર લખમણભાઈ વશરામભાઈને માર માર્યો હતો. આ અંગે હીનાબેન અને ધવલ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ચોટીલા પોલીસે આ બન્ને નકલી પોલીસ બનનાર આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.