પિતાએ જેને આશરો આપ્યો તે મહિલાએ ૧૪ વર્ષની સગીર દીકરી સાથે કર્યું કઈક આવું…
વાંકાનેર શહેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારે મહિલાને રહેવા માટે મદદ કરી તે મહિલા ૧૪ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી ગયાની પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું એક મહિલા અપહરણ કરી ગઈ હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં ભોગ બનનાર સગીરાના પિતાએ જણાવ્યું છે કે દશેક દિવસ પૂર્વે લલીતાબેન તેના દીકરા સાથે સિરામિક ઓરડીએ આવ્યા હતા અને એક રૂમ રહેવા માટે જોઈએ છે તેમ કહ્યું હતું જોકે તપાસ કરવા છતાં રૂમ મળ્યો ના હતો જેથી લલીતાબેનને રૂમ મળે નહિ ત્યાં સુધી ફરિયાદીએ પોતાના રૂમમાં સાથે રહેવા કહ્યું હતું અને ગત તા. ૧૭ જુનના રોજ સવારે ફરિયાદી મજૂરીએ ગયા હતા અને કામેથી પરત ફરતા ફરિયાદીની ૧૪ વર્ષની સગીર વયની દીકરી અને લલીતાબેન મળી આવ્યા ના હતા જેથી આસપાસમાં અને કારખાના બહાર તપાસ કરી હતી પરંતુ દીકરીનો પત્તો લાગ્યો ના હતો તેમજ વતનમાં સગા સંબંધીઓ મારફત તપાસ કરવા છતાં દીકરી મળી ના હતી.
આમ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી લલીતા ગુલાબસિંગ રહે મધ્યપ્રદેશ વાળી ગત તા. ૧૭ જુનના રોજ કોઈ કારણોસર લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગઈ છે વાંકાનેર સીટી પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે