લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા
વાહ ક્યા મરતબા એગૌષ! હે બાલા તેરા – ઊંચે ઊંચો કે સરોસે કદમ આલા તેરા
અલ્લાહ પાકનો કરોડો અહેસાન કે ઉમ્મતે મોહમ્મદિયાને દુનિયા અને આખેરતમા સફળ બનાવવા માટે પોતાના નેકબંદાઓ અવલિયા એ કીરામ, મુજદિદીને ઈસ્લામ, ઓલમા એ રબ્બાનિય્યીન ને હિદાયત માટે મોકલતો રહ્યો અને મોકલતો રહેશે.
આમાંથી જ એક મોટા મરતબા વાળી અઝીમ હસ્તી જેને પરદો થયો તેને આ રબિઉલઆખર ના 11 ચાંદે સનહીજરી પ્રમાણે 907 વર્ષ પૂરા થશે. જે પીરોના પણ પીર, રોશન ઝમીર, અવલીયાના સરદાર જેને આપણે મોટા પીર અથવા ગોષે પાકથી યાદ કરીએ છીએ. તમામ અહલે ઈમાન આ મહિનામાં કુરઆનખાની, ઝિકરો અઝકાર, નઝરોનિયાઝ અને અન્ય નેક કામ કરીને ગોષે પાક رضى الله عنه ની બારગાહમાં ઈષાલેસવાબનો તોહફો નઝર કરીને મોહબ્બતનો સુબુત પેશ કરતા હોય છે. અલ્લાહ પાક આપણને અને આપણી આવતી પેઢીઓને અલ્લાહ પાકની અને અલ્લાના નેક બંદાઓની સાચી મોહબ્બત નસીબ ફરમાવે.
અત્યારના સમયે અવલીયાથી બરકત કેવી રીતે પ્રાપ્ત કરવી?
પહેલાના સમયના લોકો અલ્લાહના નેક બંદાઓથી રૂબરૂ હિદાયત અને બરકત હાસિલ કરતા હતા આજે તે બહુ જ મુશ્કેલ બની ગયું છે પરંતુ આપણે ઓલિયા એ કિરામના જીવન ચરિત્ર, તેમના બોધ, વચન વાંચીએ અને સમજીએ તો પણ ઇન્શાલ્લાહ આપણે પણ હિદાયત અને બરકતથી માલામાલ થઈ શકીએ. તો આવો ગૌષે પાકના જીવનચરિત્ર ની અમુક ઝલક વાંચી ને બરકત હાંસિલ કરીએ
આપની વિલાદત 1/ રમઝાન સ.હિ. 470 માં ઈરાનના એક શહેર ગિલાન (જીલાન) માં થઈ પિતાનું નામ અબુસાલેહ જંગી દોસ્ત- આપ હસની સૈયદ અને અમ્મીનું નામ ફાતેમા અને હુસેની સૈયદ હતા.
તુ હુસૈની હસની ક્યુ ના મુહયુદદીન હો- એ ખિઝર! મજમ એ બહેરૈન હે દરયા તેરા
ગોષેપાકرضى الله عنه ના કુટુંબ અને સગાઓ ઈલ્મ અને અમલથી મોહબ્બત કરનાર નેકલોકો ઉપરાંત અવલિયા નુ ખાનદાન કહેવાતું હતું. નાનપણથી જ આપમાં વિચિત્ર ખુબીઓ હતી ખેલ,તમાશાથી દૂર રહેતા હતા.
આપનો તાલીમી સફર અને કસ્ટીઓનો સામનો
સાત વર્ષની ઉંમરમાં હાફિઝે કુરઆન બની ગયા. આપના જન્મ પહેલા જ આપ વિશે વિલાયતની ખુશખબરી હોવા છતાં 18 વર્ષની ઉંમર સુધી ગિલાન શહેરની જુદી જુદી દરસગાહોંથી જરૂરિયાતનું ઈલ્મ હાસિલ કરતા રહ્યા. આપના બાળપણમાં જ અબ્બાજાન વફાત થઈ ગયા હતા. આપના એક નાના ભાઈ હતા પરંતુ તે પણ નાની ઉંમરે વફાત થઈ ગયા. બંને ભાઈના ભરણ, પોષણખર્ચ, તાલીમી ખર્ચ અને પરવરિશ આપના અમ્મીજાન જ કરતા રહ્યા. ઇલ્મની તલબ એટલી વધી ગઈ કે 18 વર્ષની ઉંમરે વધારે તાલીમ માટે ગીલાનથી બગદાદ જે આશરે ૬૦૦ કિલોમીટર છે ત્યાં તાલીમ લેવા માટેની રજા અમ્મીજાનથી લીએ છે. અમ્મીજાન તરફથી રજા મળી જાય છે અને નીકળતી સમયે અમ્મીજાન વસિય્યત કરે છે બેટા ગમે એવી તકલીફ આવી જાય કોઈ દિવસ ખોટું નહીં બોલવું. આ સફર દરમિયાન જ ડાકુઓ આપની સચ્ચાઈની બરકતથી લૂંટ મારથી તૌબા કરે છે.
બગદાદ શરીફમા તે સમયે મોટો મદરસો જામિયા નીઝામિયામાં મહાન ઈલ્મ ધરાવનાર ૧૭ થી વધારે મોહદિ્દસ, મુફસ્સિર, અદીબ, ફકીહ ઓલમા એ કીરામથી ઈલ્મ પ્રાપ્ત કરતા રહ્યા. આ અરસામાં ગરીબી અને ફાકાકશીના કારણે ઘણી બધી મુશ્કેલાતનો મોટો સામનો કરવો પડ્યો અને જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ઝાડવાના પાન પર ગુઝારો કરતા હતા.
એક અલ્લાહના વલીની આપને કીંમતી નસીહત
તાલીમના જમાનામાં એક અલ્લાહના વલીની આપ પર નજર પડે છે તો જાણી લીધું કે આ બાળક એક દિવસ સૂર્ય બનીને ચમકશે. તે વલીએ આપને નસીહત ફરમાવી કે બેટા કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો ન કરતા ત્યારથી લઇ આખરી સમય સુધી કોઈ દિવસ કોઈથી કોઈ જાતની આપે ન લાલચ કરી અને ન કોઈ પાસે આપે કાંઈ માંગ્યું.
તરીકત અને મારિફતનુ ઈલ્મ કેવી રીતે પ્રાપ્ત થયું?
ગોષે પાકرضى الله عنهએ ફરમાવ્યું કે ઈલ્મે ઝાહિર કુરઆન, હદીષ તફસીર, ફિકહ વગેરે પ્રાપ્ત કર્યા પછી મને અમુક બાબતોમાં વસવસા રહેતા હતા મેં અલ્લાહ પાકથી દુઆ કરી કે મને તારા કોઈ શરીઅત, તરીકત, મારિફતવાળા કામિલ બંદાની સોહબત નસીબ ફરમાવ જે મારા વસવસાને દૂર કરે ગોષે પાક رضى الله ફરમાવે છે કે બીજા દિવસે હું બગદાદના મોહલ્લાએ મુઝફ્ફરિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો એવામાં એક સુફી એ બા સફા, મુસ્તજાબુદ્દઅવાત એટલે જેની દરેક દુઆ કબુલ થતી હોય એવા એક બગદાદના તમામ સુફીયાએ કીરામ અને મશાઇખે ઇઝામના ઉસ્તાદેકુલ હઝરત અબુલ્ખૈર હમ્માદ બિન મુસ્લિમ દબ્બાસ رضى الله عنه એ મારું નામ લઈને મને બોલાવ્યો અને મારા ઉપર એવી નઝરે કરમ ફરમાવી કે મારા બધા વસવસા દૂર થઈ ગયા અને મને તેમનાથી ઘણી લાગણી મોહબ્બત થઈ ગઈ અને ઘણા સમય સુધી તેમની ખીદમતમાં રહીને તરીકત અને મારિફત ની મંઝિલો સુધી પહોંચ્યો.
નફસ અને શૈતાન સાથે આપનો જિહાદ
આપ પોતાના નફ્ત સાથે જીહાદ અને ઈબાદતો રિયાઝત માટે વર્ષો સુધી જંગલો બયાબાનમાં પસાર કરતા રહ્યા. આ અરસામાં જીન્નાત અને શૈતાન આપની વિલાયત અને ઈમાન છીનવા માટે જાતે જાતના ભયાનક હમલા કરતા રહ્યા. પરંતુ અલ્લાહ પાકની મદદ આપના સાથે હોવાથી કોઈપણ જાતની આપ ઉપર આંચ ન આવી. એક વખત આપને સખત તરસ લાગી વાદળા છવાઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો અચાનક એક પ્રકાશ જાહેર થાય છે અને એમાંથી અવાજ આવ્યો એ અબ્દુલ કાદર ! હું તારો રબ છું અને મેં દરેક હરામ વસ્તુ તારા માટે જાઈઝ કરી દીધી છે આ સાંભળતા જ આપે અઊઝુ…પડ્યો તરત જ તે પ્રકાશ ધુમાડો બની ફેલાઈ ગયો અને અવાજ આવ્યો એ અબ્દુલ કાદિર ! આજે તને તારા ઇલ્મે બચાવી લીધો નહીંતર આ જગ્યાએ 70 અવલીયાને મેં ગુમરાહ કરી વિલાયત છીનવી લીધેલ છે ગૌષે પાકે رضى الله عنه એ જવાબ આપ્યો કે તારુ ઈલ્મ તને નથી બચાવી શક્યુ તો મારુ ઈલ્મ મને કેવી રીતે બચાવી શકે? મને તો મારા રબે બચાવ્યો છે.
આપના પીરો મુરશિદે આપને ખિલાફત આપી
વર્ષો સુધી જંગલો બયાબાનમાં રહ્યા બાદ એક વખત આપે વિચાર્યુ કે મારો રબ મને જ્યાં સુધી ખવડાવશે, પીવડાવશે નહીં ત્યાં સુધી હું કશું જ ખાઈશ, પીશ નહીં એક વખત આપના પીરો મુરશિદ હઝરત ખ્વાજા શેખ અબુ સઈદ મખઝુમી رضى الله عنه આપ પાસેથી પસાર થઈ રહ્યા હતા આપના પીરો મુરશિદે આપને બોલાવ્યા, ઘરે લઈ ગયા અને ફરમાવ્યુ કે આજે હું અલ્લાહના હુકમથી તમને ખવડાવી અને પીવડાવી રહ્યો છું ત્યાર પછી આપને ખિલાફત પણ અતા ફરમાવી અને આપના પીર એક મદરસો ચલાવી રહ્યા હતા. આપને ગોષે પાકથી એટલો લગાવ અને મોહબ્બત થઈ ગઈ કે આખો મદરસો ગોષે પાકના હવાલે ફરમાવી દીધો અને દિવસે દિવસે તલબા તે મદરસામાં એટલા વધતા ગયા કે મદરસાની ઇમારત નાની પડવા લાગી. આપે બગદાદના રહેવાસીઓથી અપીલ કરી તો માલદારોએ માલથી અને ગરીબોએ મહેનતથી મદરસાનુ મોટુ બાંધકામ કરી આપ્યુ અને ઈલ્મના તલબગાર દૂર દૂર થી મદરસામાં પડવા આવવા લાગ્યા અને ઘણા બધા કાબિલ ઓલમાં ફારિગ થઈ દૂર દૂર સુધી ઇસ્લામનો પરચમ બલંદ કરવા લાગ્યા
ઉમ્મત માટે આપના કામો
આમ જનતાના સુધારા માટે આપ મજલિસો કાઈમ કરતા હતા જેમાં 70/ 70 હજાર લોકોનો મજમો થતો આપના વાઅઝો નસીહત અને તબ્લીગથી ઘણા બધા યહૂદી, ઈસાઈ અને ગેર મુસ્લિમોંએ ઇસ્લામ સ્વીકાર કર્યુ અને હજારો ચોર, ડાકુ, બદઅમલ, બેઅમલ રાહ ઉપર આવી સફળતા મેળવી. ઝાલિમ બાદશાહો સામે નીડરતાથી હક વાત કહેતા અને આમ પ્રજાને ન્યાય અપાવતા અને ગરીબોની બહુ જ મદદ કરતા એ જ માટે ગોષે પાક એટલે મદદ કરનાર આપનો લકબ બની ગયો. આપની બધી અવલાદ ઈલ્મ વાળી અને નેક હતી.
આપનો આખરી સમય
આખરી સમયે આપ બે મહિના સતત બીમાર રહ્યા. સકરાત સમયે દુવાઓનો વીરદ ચાલુ કર્યો અને છેલ્લે કલમો પડ્યો. 91 વર્ષની ઉંમરે સનહીજરી 561 માં આપની વફાત થાય છે. આપના મોટા દીકરા હઝરત પીર સૈયદ શાહ અબ્દુલ વહ્હાબ કાદરી رحمة الله عليه એ આપની નમાઝે જનાઝા પઢાવી અને મદરસા એ કાદરીયામાં જ આપનો આજે પણ મઝારે પૂર અનવાર છે. ઉંમતે મોહમ્મદીયા ઉપર ગોષે પાકનો મોટો અહેસાન હોવાથી આજે પણ 907 વર્ષ પૂર્ણ થયા છતાં બધા ગોષે પાક رضى الله عنه ને યાદ કરતા હોય છે અને એમના ફુયુઝો બરકાત પ્રાપ્ત કરવા માટે ખુશ નસીબો બગદાદ પણ ઝિયારત કરવા જતા હોય છે. અલ્લાહ પાક આપણને ગૌષે પાકના ફૂયુઝો બરકાતથી માલામાલ ફરમાવે. આમીન
નોટ: આપથી વિનંતી છે નિયાઝમાં ફાયદાકારક વસ્તુ ફળ ફ્રુટ રાખવા જોઈએ ચોકલેટ, વગેરે ટોફી હાનિકારક વસ્તુથી બચવું જોઈએ. તંદુરસ્તી હજાર નેઅમતોથી બહેતર છે
ગોષેપાક رضى الله عنه ની એક કિતાબગુન્નિય્યતુત્તાલ્બિન છે જેમાં આપે શરીઅતનુ ઈલમ હાસિલ કરવા, એના ઉપર અમલ કરવા વિશે અને સહાબએકીરામ, અહલેબૈયઈઝામ અને ઓલમા એદીનથી મોહબ્બતનું દર્શ આપેલ છે ઈષાલે ષવાબ માટે આ કિતાબ વધારેથી વધારે ઓલમાએદીન સુધી પહોંચાડવી બહુ જ ફાયદાકારક છે.
નોંધ: “સફરેઈસ્લામ” ઈ-મેગેઝીનના રબીઉલ આખિર અંક માટે લખેલો લેખ.
