શોભાયાત્રા અંગે લોકોમાં દ્વિધા
ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શોભાયાત્રાના આયોજન અંગે બેઠક મળી
વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ હતી. ત્યારે ઉપસ્થિત અગ્રણીઓ-વિવિધ વ્યાપારી સંગઠનો ઉપરાંત દરેક જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતીમાં જન્માષ્ટમી મહોત્સવ તથા ગણેશ મહોત્સવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હતું જે જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રા અત્રે દિવાનપરા સ્થિત પંચેશ હનુમાનજી મંદિર ખાતેથી વિવિધ ફ્લોટસ, પ્રભુશ્રીનો ભવ્યરથ, પ્રખ્યાત રાસ મંડળીઓ, સંતો-મહંતો, ડીજેના સથવારે પૂજા-અર્ચન થયા બાદ પ્રસ્થાન થશે જે શહેરના રાજમાર્ગે ફરી ત્યાં જ પૂર્ણ થશે.
આ અંગે સમગ્ર કાર્યક્રમને આખરીઓપ આપવા વાંકાનેર શહેર તથા તાલુકાભરના શ્રીકૃષ્ણ ભક્તો, વિવિધ સંગઠનો વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓ સંતો-મહંતોની ઉપસ્થિતીમાં આગામી તા.20/8/23ને રવિવારના રોજ શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે મહામીટીંગનું આયોજન કરેલ છે તો દરેક કૃષ્ણભક્તો તથા ગણેશ ભક્તોએ અચુક ઉપસ્થિત રહેવા યાદી સાથે આમંત્રણ આપવામાં આવેલ છે.
ઉપરોકત મિટીંગમાં ધારાસભ્ય પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા વ્યાપારી અગ્રણીઓ કિરાણા એસો. ઉપપ્રમુખ લલિતભાઈ ભીંડોરા, પૂર્વ કાઉન્સીલરો કિર્તીભાઈ દોશી, મેરુભાઈ સરૈયા, મનસુખભાઈ કુંઢીયા, વિરાજભાઈ મહેતા, રાજભાઈ સોમાણી, અમીતભાઈ સેજપાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાના કાર્યક્રમ પૂર્ણ થયે ઉપસ્થિત દરેક કૃષ્ણભક્તો માટે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.