શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આઈકોલેસ સિરામિક કારખાના સામે હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા પાસે યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી.

જેથી આ અંગેની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ઇસરોના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા કુલદીપભાઈ નંદકિશોરભાઈ પ્રસાદ (૪૨)ની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી,

જેથી કરીને આ બનાવ અંગેની મુકેશભાઈ વિશ્વદેવ પ્રસાદ (૩૨) રહે. નવા ઢુવા ગામ ગ્રાફિક સિરામિક તાલુકો વાંકાનેર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ બનાવની આગળની વધુ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એફ.આઇ. સુમરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આઇકોલેસ સિરામિક પાસે ઝાડ નીચેથી યુવાનની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે.

જોકે, શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી તેમ છતાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી ચાલુ છે.