સિકયુરીટી ગાર્ડની કામગીરી પર સવાલ
આમાં બેફામ ખનીજચોરી ક્યાંથી અટકે?
બે સિકયુરીટી ગાર્ડ સાથે પોલીસ લાઇનમાં રાખેલ ડંમ્પર લઇ જતા ચકચાર
વાંકાનેર: અમરસર ફાટકેથી રોયલ્ટી પાસ/ ડિલીવરી ચલણ વિનાનું કબ્જે કરેલું હાઇવા ડંમ્પર જે વાંકાનેર પોલીસ લાઈનની પાછળ સિક્યુરિટીના બે માણસોને મૂકી રાખેલું તેને એક ફોરચ્યુનર કારમાં આવેલ બે માણસોએ લોખંડનો પાઇપ બતાવી ધમકી આપી લઇ ગયાનો બનાવ બનેલ છે….


જાણવા મળ્યા મુજબ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા મોરબી માઇન્સના સુપરવાઇઝર વિરપાલસિંહ સતુભા જાડેજા (ઉવ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમારા અધિકારી શ્રી જી.એસ.વાઢેરની ટેલીફોનીક સુચના આધારે વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ અટકાવવા માટેની સુચના કરતા આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૫ ના કલાક-૦૫/૩૦ વાગ્યે હું, દિલીપભાઇ એમ. લકુમ, સિક્યુરીટી ગાર્ડ મહેશભાઇ પટેલ, ધ્રુવરાજસિંહ જાડેજા તથા નિરૂભા જાડેજા અમે બધા વાંકાનેર અમરસર ફાટક પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતા, તે દરમ્યાન સાદી રેતી ભરેલું હાઇવા ડંમ્પર રજી નં. GJ-03-CU-0018 વાળુ ત્યાં આવતા અને ચાલક પાસે ખનીજ અંગેના 


આધાર પુરાવા માંગતા રોયલ્ટી પાસ/ ડિલીવરી ચલણ નહી હોવાનુ જણાવતા તેને વાંકાનેર સીટી પોલીસ લાઇનમાં પાછળના ભાગે રાખી તેની ઉપર બે સિક્યુરીટી ધ્રુવરાજસિંહ જાડેજા તથા મહેશભાઈ પટેલને રાખી અમો બીજી કાર્યવાહી કરવા માટે અન્ય જગ્યાએ ગયેલ હતા અને પછી અમારા સિકયુરીટી ગાર્ડ મહેશભાઈ પટેલનો ફોન આવેલ અને કહેલ કે ‘સફેદ કલરની ફોરચ્યુનર કાર રજી નં.GJ-0 3-KH-8390 વાળી લઈને બે માણસો આવેલ જેમાં એકની પાસે લોખંડનો પાઇપ હતો અને આ બંને જણા તેમજ હાઇવા ડંમ્પરનો ડ્રાઇવર એ રીતેના ત્રણેય જણા અમારી સાથે ઝઘડો કરી લોખંડનો પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ હાઇવા ડમ્પર લઈ જતા રહેલ છે’ તો ત્રણેય સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે અને આ ગુન્હાની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર વિજયભાઈ ખેતશીભાઇ મહેશ્વરી ચલાવી રહ્યા છે…
