મહિકાના યુવાને મોરબી એસપી ઓફિસે જઈ ઝેરી દવા પીઘી
રાજકોટ: વ્યાજખોરીના બનાવો અવાર-નવાર બનતાં હોય છે. જેમાં ફસાયેલા લોકો ઘણીવાર આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે. દરમિયાન વાંકાનેરના મહિકા ગામે રહેતાં અને ખેતીવાડીનું કામ કરવાની સાથે સાથે સુરત, મહારાષ્ટ્રમાં આયુર્વેદિક દવાનો વેપાર પણ કરતાં ઇમ્મુદ્દીન હબીબભાઇ બાદી (ઉ.વ.૪૦)એ મોરબી એસપી ઓફિસે જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોતે વ્યાજખોરીમાં ફસાઇ ગયાનું અને આ મામલે ન્યાય નહિ મળતાં તેમજ જમીન, કાર પણ પડાવી લેવાયા હોઇ અને માથે જતાં પોતાની જ જમીનમાં પોતાને પ્રવેશ કરવા દેવાતો ન હોઇ આ કારણે આ પગલુ ભર્યાનું તેણે કહ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ઇમ્મુદ્દીન બાદીએ ગત સાંજે પાંચેક વાગ્યે મોરબી એસપી ઓફિસે જઇ ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ અને ભાવેશભાઇ મકવાણાએ મોરબી બી-ડિવીઝનમાં નોંધ કરાવી હતી.
હોસ્પિટલના બીછાનેથી ઇમ્મુદ્દીન બાદીએ જણાવ્યુ હતું કે હું ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટો છું અને મારે બે પુત્ર છે. મહિકામાં મારે ખેતીની આઠ વીઘા જમીન છે. તેમજ હું સુરત, મહારાષ્ટ્રમાં આયુર્વેદ દવાનો વેપાર પણ કરતો હતો. ધંધાના વિકાસ માટે મેં મારા જ કઝીન મારફત ગામના આગેવાનનો સંપર્ક કરી તેના મારફત અમદાવાદના વ્યકિત પાસેથી ૩૮ લાખ વ્યાજે લીધા હતાં. જેની સામે મેં ૧૮ લાખ ચુકવી દીધા હતાં. આ રકમ મેં મારી ખેતીની જમીન ઉપર લીધી હતી.

પરંતુ બાદમાં લોકડાઉન આવી જતાં ધંધો ભાંગી પડતાં હું વધુ વ્યાજ ચુકવી શક્યો નહોતો. એ પછી મારી પાસે કડક ઉઘરાણી શરૂ થઇ હતી. ત્યારબાદ મારી જમીન પણ આ લોકોએ તાજેતરમાં બારોબાર વેંચી નાંખી છે. આ જમીનની કિમત નેવુ લાખ જેવી થાય છે. આ ઉપરાંત મારી બાર લાખની કીયા કાર પણ પડાવી લેવામાં આવી છે. મને મારી જ જમીનમાં જતો અટકાવીને ધમકી અપાય છે અને મારીને કૂવામાં નાંખી દેવાની ધમકીઓ પણ અપાય છે. આ મામલે રજૂઆતો કરવા છતાં મને ન્યાય મળતો ન હોવાથી મેં મોરબી એસપી ઓફિસે જઇ ઝેરી દવા પી લીધી હતી. ઇમ્મુદ્દીન બાદીના આક્ષેપો અંગે મોરબી પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વ્યાજખોરીનો ગુનો નોંધાઇ ચુક્યો છે, આરોપી પણ પકડાઇ ગયા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
