પત્રકારોની હાજરીમાં કબાટની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવી : પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળાની ધરપકડ કરી
વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દારૂની મહેફિલ જામતી હોવાની ચર્ચાઓ થઈ રહી હોય દરમિયાન આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ચાલતી દારૂની મહેફિલમાં વાંકાનેરના પત્રકારોએ સંયુક્ત રીતે ‘ પત્રકાર રેડ ‘ કરતા સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ઓફીસમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળા રંગેહાથ દારૂ પીતા આબાદ ઝડપાઇ ગયા હતા.





બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પત્રકારોએ સંયુક્ત રીતે ‘ પત્રકાર રેડ ‘ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડો. હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળો કૈલાસ રાઠોડ વિદેશી દારૂ પીતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા, જે બાદ પત્રકારોએ વાંકાનેર સીટી પી.આઇ. છાસીયાને બાબતની જાણ કરતા તાત્કાલિક સીટી પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પત્રકારોની હાજરીમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરના કબાટની તલાશી લેતા તેમાંથી એક પરપ્રાંતિય બનાવટની ગ્રેવિટી વોડકા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળા કૈલાસની ધરપકડ કરી હતી.
જેથી ખળભળાટ મચી ગયો હતો, જેમાં હોસ્પિટલમાં પોતાની ચેમ્બરમાં જ દારૂની મહેફિલ બાબતે હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ આ બાબતે આરોપી સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે કેવા પગલાં ભરે છે કે કેમ?

