સગીર સહિત બે ઝબ્બે: રૂ. ૨.૭૨ લાખ સામે રૂ.૧.૬૮ લાખનો મુદામાલ કબજે
ચોરીની રોકડમાંથી 40,000 ફઈની સારવારમાં અને 20,000 તાવા પાછળ ખર્ચી નાખ્યા
વાંકાનેર – રાજકોટ રોડ પર ખેરવા ગામ પાસે આવેલા સ્વાન મેડીકોટ નામના કારખાનામાંથી રૂપિયા 2.72 લાખની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખી કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા શખસ અને એક સગીરને ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 13/5 ના રોજ જીવરાજપાર્ક પાસે ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવ રમેશભાઈ ઉમરેટીયા નામના કારખાનેદારે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ખેરવા ગામ પાસે આવેલા સ્વાન મેડીકોટ નામના તેમના કારખાનામાંથી કોઈ તસ્કરો ટેબલના ખાનાના લોક તોડી તેમાંથી રોકડ રૂપિયા 2.39 લાખ અને 40 ચાંદીના સિક્કા ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨,૭૨,૯૫૦ ની ચોરી કરી ગયા હતા. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, કીરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ માલધારી ફાટક પાસેથી આરોપી અંકિત મહાદેવભાઇ વીકાણી (ઉ.વ 22) રહે. કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે, નૂરાનીપરા- મૂળ નસીપર રામપર તા. ટંકારા તથા એક સગીરને ઝડપી લીધો હતો પોલીસે તેમની પૂછતાછ કરતા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે આ બેલડી પાસેથી રોકડ રૂપિયા 1.17 લાખ 11 ચાંદીના સિક્કા, પાંચ મોબાઈલ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન સહિત રૂ.1,68,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ બેલડી રાજકોટના બારોબારના વિસ્તારમાં આવેલા કારખાનામાં રાત્રિના ઘૂસી લોખંડના ભંગારની ચોરી કરવાની મોડસ ઓપરન્ડી ધરાવે છે. જો ભંગાર ન મળે તો ડિસમિસ જેવા હથિયાર વડે કારખાનાની ઓફિસના તાળા તોડી રોકડ રકમ ચોરી કરી લે છે. આરોપી અંકિત સામે અગાઉ માળીયા મીયાણામાં ચોરી અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ચોરી કર્યા બાદ આરોપી અંકિતે રૂ.40,000 જેવી રકમ પોતાના બીમાર ફઈની સારવાર પાછળ ખર્ચી નાખી હતી, તેમજ 15 થી 20 હજાર જેવી રકમ તાવા પાછળ ખર્ચા નાખી હતી; જ્યારે સગીર આરોપીએ 20,000 રૂપિયા મોજશોખમાં ઉડાવી દીધા હતાં.