અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું
એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી પહેલી લહેર હાલ ચાલુ છે. હવે આનાથી ફરી સવાલ ઉઠે છે કે શું એકવાર ફરીથી ચીનના કારણે સમગ્ર દુનિયાએ લોકડાઉનમાં ધકેલાવું પડશે?
ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં જ કોરોના વાયરસ મહામારીએ ચીનના વુહાન શહેરમાં પોતાનો રંગ દેખાડ્યો હતો. ત્રણ વર્ષનો સમય વીતવા છતાં અને લાખો લોકોના જીવ લીધા પછી પણ આ બીમારીની ચુંગલમાંથી દુનિયા હજુ આઝાદ થઈ શકી નથી. ભારતમાં પણ આ બીમારીના પગલે લાંબા સમય સુધી લોકડાઉન વેઠવું પડ્યું હતું. હવે એક અમેરિકી રિસર્ચ રિપોર્ટમાં વર્ષ 2023 દરમિયાન કોરોના સંક્રમણથી દુનિયામાં દશ લાખ લોકોના મોત થઈ શકે છે, એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં જ ફરીથી ચીનથી આવેલા ચિંતાજનક સમાચારોએ બધાની ચિંતા વધારી દીઘી છે. માત્ર દોઢ સપ્તાહ પહેલા જ ભારે જનવિરોધ બાદ ચીને પોતાની ઝીરો કોવિડ પોલીસીમાં ઢીલ આપી હતી, પરંતુ ત્યારબાદ ચીનમાં કોવિડ-19ના નવા કેસ વધુ ઝડપથી વધવા લાગ્યા છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે, જેમાંથી પહેલી લહેર હાલ ચાલુ છે.
અમેરિકાના એક પ્રતિષ્ઠિત રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે આ સપ્તાહમાં રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં 10 લાખથી વધુ લોકોના જીવ લેશે. જેમાં સૌથી વધુ લોકો ચીનના હશે. જ્યાંની રસી દુનિયાની અન્ય MRNA રસીની સરખામણીએ ઓછી પ્રભાવી જણાઈ છે. જો કે ચીન પોતાની કોવિડ-19 રસીને નબળી માનતું નથી. પરંતુ ચીનના આંકડા મુજબ તેની 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની અડધી વસ્તીને જ રસીના ત્રણ ડોઝ મળ્યા છે. આવામાં અન્ય વસ્તી કોરોનાનો ભોગ બને તેવી શક્યતા પ્રબળ છે.
કોરોના લહેર પર ચીની એક્સપર્ટનું અનુમાન છે કે આ લહેર જાન્યુઆરીના મધ્ય સુધીમાં પીક પર જાય તેવી સંભાવના છે. ત્યાં સુધીમાં લાખો લોકો તેની ઝપેટમાં આવી જશે. ડો. જુન્યોના જણાવ્યાં મુજબ કોરોનાની બીજી લહેર 21 જાન્યુઆરીથી ચીની ન્યૂ યરની સાથે શરૂ થઈ શકે છે. કારણ કે આ દરમિયાન દેશમાં લાખો લોકો પરિવાર સહિત આમ તેમ ફરવા જઈ શકે છે. ત્યારબાદ ઈન્ફેક્શનની ત્રીજી લહેર ફેબ્રુઆરી અંતમાં શરૂ થઈ જશે અને તે 15 માર્ચ સુધી ચાલે તેવી શક્યતા છે. આ એ પીરિયડ હશે જ્યારે રજા ભોગવી મોટી સંખ્યામાં પાછા ફરેલા લોકો ફરીથી ઓફિસ જવાનું શરૂ કરશે. હવે ચીન કોરોનાથી થતા મોતના આંકડા જાહેર કરતું નથી.