૧૫ દિવસથી પાણી આવ્યું જ નથી: ગ્રામજનો હેરાન પરેશાન
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે જોકે ભરઉનાળે ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આવ્યું ના હોય જેથી ગ્રામજનો હેરાન પરેશાન છે તો ગામના સરપંચે પ્રશ્ન ના ઉકેલાય તો રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે.





ટંકારા તાલુકાના ટોળ ગામના સરપંચ ગઢવારા અબ્દુલ અલીભાઈએ જણાવ્યું હતું કે ગામમાં ૧૫ દિવસથી પાણી આવતું નથી, જે મામલે રજૂઆત કરતા અહીંથી પાણી આપવામાં આવે છે; તેવો જવાબ મળે છે. જોકે સંપમાં પાણી આવતું નથી. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. ગ્રામજનો પ્રતિદિન સરપંચને પાણી માટે ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ ઉપરી કક્ષાએ કાર્યવાહી ના કરવામાં આવતા સરપંચ લાચાર સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે ૧૦૦ જેટલી મહિલાઓ પાણી માટે રજૂઆત કરવા પહોંચી હોવાનું સરપંચે જણાવી અંતમાં રાજીનામું આપવાની ચીમકી આપી છે.
ટોળના સરપંચે જણાવ્યું હતું કે પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવે નહિ તો તેઓએ રાજીનામું આપી દેવું પડશે. તેઓ ગ્રામજનોને શું જવાબ આપે તે સમજાતું નથી; તેવી હૈયાવરાળ પણ ઠાલવી હતી