૧૦ વર્ષ પહેલાના પ્રેમલગ્નનું મનદુઃખ મારમાં પરિણમ્યું
વાંકાનેરના માટેલ રોડ પર એસ્ટ્રોન સિરામિકની ઓરડીમાં રહેતા રોહિતભાઇ રમેશભાઇ વાઘેલાએ આરોપી ગેલાભાઇ ભીખાભાઇ નૈયા અને તેના ભાણેજ પ્રકાશભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૦ વર્ષ પૂર્વે રોહિતભાઈની બહેન સુમને આરોપી ગેલાભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
જેને કારણે રોહિતભાઈને ગેલાભાઈ સાથે બોલવા ચાલવાનો સંબંધ ન હતો. ગેલાભાઈએ આ મનદુઃખનો ખાર રાખીને તા.૦૭ ના રોજ મોરબી સબ જેલ સામેના વિસ્તાર ખાતે પોતાના સસરાના ઘરે પત્ની સાથે આવેલા રોહિતભાઈ પર હુમલો કર્યો હતો.
જ્યાં રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના સમયે બંને આરોપીઓ રોહિતભાઈના સસરાના ઘરની બહાર આવ્યા હતા અને રોહિતભાઈને બેફામ ગાળો આપતા હતા. અને ‘તું અહીંયા કેમ આવ્યો’ તેમ કહી રોહિતભાઈને ઘરમાંથી બહાર બોલાવી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં આરોપી ગેલાભાઈના હાથમાં રહેલા ધોકા વતી એક ઘા જમણા હાથની કોણી ઉપર મારવા જતા રોહિતભાઈએ પોતાનો હાથ ખસેડી લીધો હતો. જેથી તેમને ધોકાથી સામાન્ય છરકો લાગ્યો હતો. જ્યારે આરોપી પ્રકાશભાઈએ ગેલાભાઈ ઉપરાણું લઈ રોહિતભાઈને બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. એ સમયે રોહિતભાઈએ બૂમાબૂમ કરતા તેમના સાસરિયાઓ ઘરની બહાર નિકળ્યા હતા અને રોહિતભાઈને વધુ મારાથી છોડાવ્યા હતા. પ્રેમ સંબધનો ખાર રાખી યુવાનને માર માર્યો હતો. આ બનાવ મોરબીમાં બનેલ હોવાથી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.