વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સેવા સદન પાછળ આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે આઠથી દસ મકાનોને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં લગ્નસરાની સીઝનમાં બહારગામ ગયા હોય તેવા બંધ મકાનોને જ તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું તેમજ બે દિવસથી પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ પણ રાષ્ટ્રપતિના કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોય તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ડેમુ ટ્રેન ખોટકાઈ ! અનેક મુસાફરો રઝળી પડ્યા
પ્રાપ્ત વિગતો મુજબ રેલવે દ્વારા મોરબી – વાંકાનેર વચ્ચે વહેલી સવારથી સાંજ સુધી ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે જેમા આજે મંગળવારે સવારે 6 વાગ્યે મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન બંધ પડી જતા વાંકાનેરથી લાંબા રૂટની કનેક્ટિવિટી માટે જતા અનેક મુસાફરો મોરબી ખાતે રઝળી પડયા હતા. ડેમુ ટ્રેન ખોટકાતા મોરબી ઉપરાંત નજરબાગ રેલવે સ્ટેશન ખાતે પણ મુસાફરો સમયસર વાંકાનેર નહિ પહોંચી શકતા વાંકાનેરથી 6.47 ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન ચુકી જવાતા મુસાફરોમાં રેલવે તંત્રની લાપરવાહ નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.