રાજકોટ: કાગદડીના વૃધ્ધ તેની પુત્રીની સારવાર કરવા હોસ્પીટલે ગયા અને પાછળથી ત્રાટકેલા તસ્કરોએ રૂ.1.70 લાખ અને બાજુમાં આવેલ ભાઈના ઘરમાંથી પણ હાથફેરો કરી રૂા.1.97 લાખની મતા ચોરી નાસી છુટતા કુવાડવા રોડ પોલીસમથકમાં ફરીયાદ નોંધાઈ હતી…
બનાવ અંગે કાગદડી ગામના પાટીયા પાસે રહેતા વશરામભાઈ જાદવ (ઉ.63)એ જણાવ્યું હતું કે તેઓ મજુરીકામ કરે છે તેમની શેરીમાં તેમના ભાઈ હીરાભાઈનું મકાન પણ આવેલ છે. તેઓની દિકરીને ડાયાબીટીસ હોય જેથી તેમના ઓપરેશન માટે દંપતિ હોસ્પીટલે ગયેલ હતા…ગઈ તા.8ના તેમના ભાઈ દેવજીભાઈના પત્નીનો ફોન આવેલ અને કહેલ કે હીરાભાઈને ત્યાં ચોરી થયેલ છે. જેથી તેઓ પોતાના ઘરે ગયેલ અને જોયુ તો પોતાના મકાનના ડેલીનું તાળુ ખુલ્લુ હતું અને અંદરના રૂમમાં રહેલ લોખંડની પેટી તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ.1.70 લાખના મુદામાલની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા…
તેમના ભાઈ દેવજીભાઈના ઘરમાં પણ બારી તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રૂ.27 હજારની મતાની ચોરી કરી હતી. જેથી કુલ રૂ.1.97 લાખના મુદામાલની અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છુટતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો.
માલિયાસણ પાસે ઈન્ડેન ગેસના ટ્રકની ઠોકરે ખેડૂત રસિકભાઈ પટેલનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મોરબી રોડ પર રહેતાં પ્રૌઢ ખરેડી ગામે આવેલ વાડીએ જતાં હતાં ત્યારે રસ્તામાં કાળમુખા ટ્રકે મોતનો ભેંટો કરાવ્યો હતો. તોતિંગ વ્હીલ નીચે ચગાદાઈ જતાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવની જાણ પોલીસ દોડી ગઈ હતી.ખરેડી વાડીએ જતા અકસ્માતમાં મોત
મોરબી રોડ પર જુના શાંતિધામમાં ડી.કે.સ્કૂલ પાસે રહેતાં રસીકભાઈ માધાભાઈ મોલિયા (ઉ.વ.50) આજે વ્હેલી સવારે પોતાનું બાઈક લઈ કુવાડવા નજીક આવેલ ખરેડી ગામમાં આવેલ વાડીએ જતાં હતાં ત્યારે માલિયાસણ ગામ નજીક હાઇવે પર પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલાં ઈન્ડેન ગેસના ટ્રક ચાલકે હડફેટે લેતાં બાઈક ચાલક રોડ પર પટકાયા હતાં અને તેઓની ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા ચગદાઈ ગયાં હતાં. ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા લોકો દોડી આવ્યાં હતાં અને 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે પ્રૌઢને તપાસી મૃત જાહેર કર્યા હતાં…બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે પરીવારને જાણ કરી હતી. વધુમાં મૃતક ખેતી કામ કરતાં હતાં અને તેમના મૂળ વતન ખરેડીમાં ખેતીની જમીન આવેલ છે. તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમના પુત્રને ગ્રીનલેન્ડ ચોકડીએ ઓટો પાર્ટ્સની દુકાન આવેલ છે ત્યાં પણ બેસી વેપાર કરે છે. મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતાં. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે…