છેતરાવાથી બચવા ખોટી લાલચમાં ફકીર કે સાધુઓથી બે ગાઉ દૂર રહેજો





લગભગ ત્રીશેક વર્ષ પહેલા સાંભળવા મળેલું કે વાંકાનેર ગાત્રાળ મંદિરના રસ્તે ગઢીયા ડુંગરમાં કચ્છ બાજુથી સાંઢિયો લઈને બે-ત્રણ જણા આવ્યા હતા અને ખાડો ખોદી સોનુ લઇ ગયા હતા. પત્રકારના નાતે ખરાઈ કરવા રૂબરૂ ત્યાં જતા ખોદેલો ખાડો અને ફોડેલ નારિયેળના કાચલાં પણ હતા.
પાડધરાના ગોરી વંશના નવાબના જુના કિલ્લામાં, સરધારકા પાસે જ્યાં જૂનું કાછીયાગાળા ગામ હતું ત્યાં, વાંકાનેર રાજના ફટાયા રામદેવસિંહનું ધમલપર ગામ પાસે હાલમાં ઉજ્જડ થયેલું લુણસરીયા ગામતળમાં, અગાઉ ગઢીયા ડુંગર પર જ્યાં વાંકાનેર ગામ હતું, ત્યાં સોનુ કાઢવા બહારના પ્રદેશના માણસો ઊંટ લઈને રાતના સોનુ કાઢી ગયાની વાતો સાંભળવા મળી છે.
બાળપણમાં સાંભળેલું કે કારુન નામના માણસ પાસે એટલો ખજાનો હતો કે તે ખજાનો ભરેલ ઓરડાની ચાવીઓ જ એટલી હતી કે અઢાર ઊંટ પર લાદવામાં આવતી. સાંભળેલું કે જમીનમાં જ્યાં સોનુ (માયા) હોય તે સ્વપ્નમાં આવે. જો તે દીકરી થઈને આવે તો જે હોય તે પણ જાય. જો વહુ થઈને વરે (પરણે) તો એટલી અઢળક સમૃદ્ધિ થાય. વહુ થઈને વરેલી માયા જમીનમાં ઊંડી હોય તો ય ઉપર આવી જાય. અમુક માયાનું રક્ષણ એરૂ કરે. વગેરે વગેરે.. આવી વાતો રસપૂર્વક સાંભળેલી.
પ્રાચીન કાળના લોકો માટે તેમના શરીર પર ત્રણથી ચાર કિલો સોનું પહેરવું તે સામાન્ય વાત હતી. સોનાના સિક્કા ઉપયોગમાં હતા અને લોકો સોનાના મુગટ પહેરતા હતા. મંદિરોમાં ટન સોનું રાખવામાં આવતું હતું. સોનાના રથ બનાવવામાં આવતા હતા અને પ્રાચીન રાજાઓ અને મહારાજાઓ સોનાના ઘરેણાથી ભરેલા હતા. સેંકડો વર્ષો પહેલા લુંટારા લૂંટ ચલાવી હતી જેનાથી બચવા લોકો સોના, ચાંદી, ઘરેણાં, વગેરેને જમીનમાં ઊંડે દાટી દેતા. વસ્તુપાલ – તેજપાલે પોતાનો ખજાનો દાટવા જમીન ખોદી તો ત્યાંથી બીજો ખજાનો મળ્યો. મૂંઝાણા, પછી એ ખજાનામાંથી આબુ પર જૈન મંદિર બંધાવ્યું, એવો પાઠ ચોથા ધોરણમાં આવતો. ઘણા રાજા સોનુ જમીનમાં દાટતા. કહેવાય છે કે દુનિયામાં જેટલું સોનુ છે તેનાથી અનેક ગણું જમીનમાં દટાયેલું પડયું છે.
તમારી વાડીમાં કે ઘરમાં સોનુ દટાયેલું છે, જે મેળવવા વિધિ કરવી પડશે, એવું કહેનારાથી ચેતજો. વાંકાનેરથી સાતેક કિલોમીટર દૂર એક ગામડામાં ચંડાળ ચોકડીએ વિધિના બહાને એક ખેડુતનું લાખોનું કરી નાખ્યાનું સાંભળ્યું છે. કોઈ ફકીર કે સાધુની વાતોમાં વિશ્વાસ કરશો તો રોવાનો વારો આવશે. ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, તાંત્રિક વિધિ કરીને રાતોરાત પૈસાવાળા બની જવાની લાલચમાં કેટલાક લોકો લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે.
અમરેલીમાં એક શખ્સે વીશ લાખ ગુમાવેલા. તમારી વાડીમાં બે મણ સોનુ છે એમ કહી એક ફકીરે પાણીમાં સિક્કો નાખતા ધુમાડો નિકળ્યો. ફકીર કહે માયા અસુરી છે. સુરી કરવાની વિધિના બહાને વીશ લાખ પડાવી ફકીર રફૂચક્કર થઇ ગયો . સુરતમાં રાતોરાત પૈસાવાળા થવાની લાલચમાં ચાર મિત્રોને અઢી કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. રાજકોટમાં સોનુ મેળવવા કબ્રસ્તાનમાં સોનુ દટાવી બે કલાક પછી કાઢજો, એમ કહી પછીથી બંગાળી ઠગ એ કાઢી ફરાર .. વગેરે કિસ્સા છાપામાં આવેલા છે. ઠગ ટોળકી ત્રણથી ચાર જણાની હોય છે. પહેલા વિશ્વાસ મેળવવા પ્લાન કરે છે. ખોટા ખોટા દાખલા આપે છે. પોતે જાણકાર હોવાનો દેખાડો કરે છે. એવી વાતો કહે છે કે સામે વાળો ફાંસલામાં આવી જાય.
જો જમીનની આસપાસ પાણીનો કોઈ સ્રોત ન હોય, પછી ભલે તે જમીન ભેજવાળી દેખાય અને તે જ સમયે આસપાસ કાળા નાગની હાજરીની નિશાની હોય, જ્યાં માટી કમળના ફૂલની જેમ સુગંધિત હોય, અમુક જગ્યાએ કાગડો, બગલો અથવા અન્ય ઘણા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં બેસતા હોય, જો એક જગ્યાએ ઘણા વૃક્ષો હોય, પણ તેમાં પક્ષીઓ એક જ જગ્યાએ બેસે અને તે પણ જો ગરુડ અને કબૂતર એક સાથે બેઠા હોય, જ્યાં વરસાદ પડે ત્યારે પાણીવાળી જગ્યાએ ઘાસ ઉગતું નથી, પરંતુ ઉનાળાની ઋતુમાં તડકામાં પણ ઘાસ ઉગતું હોય,જ્યાં સાપનો વાસ અથવા તેમના દર હોય, ચોક્કસ પ્રકારના સ્વપ્ન આવતા હોય… એવી તમે અગાઉ ન સાંભળેલી વાતો કરશે. આવા લોકોથી બે ગાઉ દૂર રહેવામાં જ ભલાઈ છે.
સરકાર જમીન નીચે રહેલી ધાતુ વિષે વૈજ્ઞાનિક રીતે શોધખોળ કરે છે. સોનાની ખાણો શોધવાની ચોક્કસ રીત છે (ક્રમશ:)