વાંકાનેર શહેરની નગરપાલિકા કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે તેના માટે મુદ્દો શોધવા જવાની જરૂર રહેતી નથી કોઈ રસ્તે કે સોસાયટીમાં પસાર થાવ એટલે પાલિકાની ચૂક અવશ્ય ધ્યાને આવે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શહેરની પોસ્ટ ઓફિસ પાસે જે કચરા પેટી મૂકવામાં આવી છે તેમાં તળિયું જ નથી. આથી કચરો જેવો નખાય કે તરત પરત !
શહેરમાં વર્ષો પહેલાં ઠેર ઠેર લોખંડની કચરાપેટીઓ મૂકવામાં આવેલી હતી. ઉદેશ સારો હતો કે દિવસભર આસપાસના લોકો કે દુકાનદારો તેમ જ રાહદારીઓ કચરો જ્યાં ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખે. પરંતુ હમેંશા માટે પાલિકા તંત્ર કામની શરૂઆત સારી રીતે કરી પછી પાણીમાં બેસી જવાની જૂની બીમારી છે, જે હવે ઘર કરી ગઈ છે.
શહેરમાં રોડ-રસ્તે કચરો ઉડે નહીં, ગંદકી થાય નહીં અને સફાઈ કામદારો નિયમિત કચરાપેટી સાફ કરે તેવી ભૂતકાળમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ વ્યવસ્થા પડી ભાંગી છે. શહેરમાં આજે પણ કચરાપેટીઓ ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગની કચરાપેટીઓ તુટેલી હાલતમાં છે. પોસ્ટ ઓફિસ સામે મુકવામાં આવેલી કચરાપેટીમાં તળિયા જ નથી. પરિણામે કોઈ કચરો કચરાપેટીમાં નાખે તે સીધો જ સીધો નીચે જમીન પર આવે છે. પરિણામે આસપાસ ગંદકીના ગંજ જામી જાય છે. કાગળિયા ઉભા રસ્તે ઉડે છે. તેથી સ્વચ્છતા રાખવાના ઉદેશ્યનો છેદ ઉડી જાય છે. સૌજન્ય: દિવ્ય ભાસ્કર