આઠ વાહન ચોરી કર્યાનો ખુલાસો
પોલીસે કટર, ડીસમીસ તેમજ અલગ અલગ મોટરસાયકલની ચાવીઓ સહિતના ચોરી કરવાના સાધનો કબ્જે કર્યા
વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતોની ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નિકળ્યા હતા, જે મુખ્ય સુત્રધાર અગાઉ આઠ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો છે. નવમી ચોરી કરે તે પૂર્વે ચોર ત્રિપુટીને પોલીસે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક અને મોબાઈલ સહિતનો મુદામાલ રીકવર કર્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા માટેલ રોડ પર ભવાની હોટેલ પાસેથી આરોપી ગૌતમ ઉર્ફે ગવો ટપુભાઈ ડાભી (ઉ.વ.૨૨) અમિત ઉર્ફે પુષ્પા દિલીપભાઈ પરમાર (ઉ.વ.૨૨) અને હિતેશ દયારામભાઈ કણજરીયા (ઉ.વ.૩૫) રહે ત્રણેય થાનગઢવાળાને ઝડપી લીધા હતા. જે ઈસમો જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ સમયે ચોરી કરવાની ટેવ ધરાવતા હોય અને આરોપી ગૌતમ ડાભી અગાઉ આઠ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો છે. આ ચોર ત્રિપુટી પાસેથી પોલીસે ગુલાબી હાથાવાળું કટર, ડીસમીસ તેમજ અલગ અલગ મોટરસાયકલની ચાવીઓ નંગ ૫ સહિતનો ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા.
જેથી ત્રણેય ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ મુદામાલ પૈકી મોબાઈલ ફોન નંગ ૬: કીમત રૂ ૨૨,૫૦૦, મોટરસાયકલ: કીમત રૂ ૫૦ હજાર સહિત કુલ રૂ ૭૨,૭૫૦ ની કિમતનો મુદામાલ રીકવર કર્યો છે, જેમાં આજથી પાંચેક દિવસ પૂર્વે રાજકોટ, કુબલીયાપરા વિસ્તારમાંથી રાત્રીના સમયે એક બાઈક જીજે ૦૩ એચજે ૪૨૬૮ વાળું ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપી હતી, જે મામલે થોરાળા પોલીસ સ્ટેસનમાં ચોરી બાબતે ઈ-FIR દાખલ થયેલ છે; તેમજ ચારેક દિવસ પૂર્વે વાંકાનેર મોરબી હાઈવે પર એક સફેદ કલરનું પ્લેઝર અને ઓપો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ટોળકીના મુખ્ય સુત્રધારે આઠ વાહન ચોરીના ગુનાને અંજામ આપેલ
ચોર ત્રિપુટી ચોરીના ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ચોરીના સાધનો અને અગાઉ ચોરી થયેલ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં ટોળકીનો મુખ્ય સુત્રધાર ગૌતમ ડાભી નામનો ઇસમ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે. જે આરોપીએ મોરબી તાલુકા, મોરબી સીટી એ ડીવીઝન અને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આઠ વાહન ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા, સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલા સહિતની ટીમ રોકાયેલ હતી.