સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય?
પોલીસ વિભાગના અધિકારીઓને અલગ-અલગ રેન્ક આપવામાં આવે છે. પોલીસ દળમાં ચોક્કસ લેવલથી ઉપરની તમામ જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. દેશમાં પોલીસ દળની બે સિસ્ટમ છે. રાજ્યોનો પોલીસ વિભાગ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તો કેન્દ્રશાસિત પ્રદેશમાં લેફ્ટનન્ટ ગવર્નર પોલીસને મેનેજ કરે છે. દેશમાં આજે પણ પોલીસના રેન્ક બ્રિટિશ શાસન પર આધારિત છે. અત્યારે પોલીસ રેન્કની જવાબદારી રાજ્ય સરકાર પાસે છે. પોલીસ રેન્ક બે રીતે, એક સીધી ભરતીથી અને બીજી પ્રમોશનથી મળે છે.
ભારતીય પોલીસ રેન્કમાં ભરતી ચાર સ્તરે કરવામાં આવે છે.
કોન્સ્ટાબ્યુલરી
અપર સબ ઓર્ડીનેટ
SPS (સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન)
IPS (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)
પોલીસના વિવિધ રેન્ક વિશેની માહિતી
કોન્સ્ટેબલ
કોન્સ્ટેબલ પોલીસ દળમાં સૌથી નીચો હોદ્દો છે. કેટલાક રાજ્યોમાં તેને સિપાહી પણ કહેવામાં આવે છે. નામકરણ મુઘલ કાળમાંથી લેવામાં આવ્યું છે. કોન્સ્ટેબલને લાકડી આપવામાં આવે છે. જોકે, સંવેદનશીલ પોસ્ટિંગમાં કોન્સ્ટેબલ રાઈફલ રાખી શકે છે. તેમને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે. આ પોસ્ટ્સ બ્રિટિશ શાસન હેઠળ ઘડવામાં આવેલી કોન્સ્ટેબ્યુલરી સિસ્ટમ હેઠળ આવે છે. કોન્સ્ટેબલ સિનિયર કોન્સ્ટેબલ બને છે અને બાદમાં તેને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી મળે છે. હોમગાર્ડ અથવા કોન્સ્ટેબલની ભરતી માટે પરીક્ષાઓ યોજવામાં આવે છે. જેમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ બે સ્તર હોય છે.
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર
હેડ કોન્સ્ટેબલ પછી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરની પોસ્ટ આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ASIની સીધી ભરતી કરવામાં આવે છે. તેમને આખરે PI તરીકે બઢતી આપવામાં આવે છે. તેઓ એ પહેલાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ, સબ-ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ અને બાદમાં પોલીસ ઈન્સ્પેક્ટર બને છે.
પ્રાંતીય/સ્ટેટ પોલીસ સર્વિસ ઓફિસર (PPS/SPS)
સ્ટેટ પોલીસ સર્વિસ ઓફિસરની પસંદગી ‘સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન’ દ્વારા થાય છે. આ પોસ્ટ એ ગેઝેટેડ સર્વિસ છે. તેઓ અમુક વર્ષોની નોકરી પછી IPS તરીકે નિમણૂંકને પાત્ર બને છે. પીપીએસ અધિકારીઓને DSP તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કેટલાક પોલીસ ઈન્સ્પેક્ટરોને તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં DSPના પદ પર પણ પ્રમોશન મળે છે. DSP બનતા પહેલાં ASP SP, SSPની બઢતી મળે છે. SPથી ઉપરના પોલીસ રેન્કને IPS અધિકારીઓ મેનેજ કરે છે.
IPS અધિકારીઓના રેન્ક
IPS અધિકારીઓની ભરતી સિવિલ સર્વિસ એક્ઝામ દ્વારા થાય છે. પસંદગી પછી તેમને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે પોસ્ટિંગ મળે છે. તેઓને નીચે મુજબ પોસ્ટ મળે છે.
આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ
એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ
પોલીસ અધિક્ષક (SP)
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ
ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP)
અધિક પોલીસ મહાનિદેશક
પોલીસ મહાનિર્દેશક (DGP)
પોલીસમાં સર્વોચ્ચ પદ
દરેક રાજ્યના પોલીસ દળમાં સર્વોચ્ચ પોસ્ટ પર IPS અધિકારી જ કામ કરે છે. પોલીસ દળમાં સર્વોચ્ચ પદ DGPનું છે. તેઓ સીધા ચીફ સેક્રેટરીને અથવા સીધા રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરે છે.
કમિશનરેટ સિસ્ટમ ઓફ પોલિસિંગમાં પોલીસ રેન્ક
પોલીસ વિભાગોને બે સ્થળેથી કમાન્ડ મળે છે. સામાન્ય રીતે તેઓ પોલીસ અધિક્ષક નીચે કામ કરે છે. તેમજ તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ નીચે પણ કામ કરે છે. વોરંટ અને હથિયારના લાઈસન્સ જાહેર કરવાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે હોય છે. જેથી કોઈની ધરપકડ કરવા માટે પોલીસે ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ પાસેથી વોરંટ લેવું પડે છે. જોકે, જિલ્લા મેજિસ્ટ્રેટને અન્ય ઘણા કામ હોવાથી વોરંટ મળવામાં મોડું થાય છે. તેથી ઘણા સ્થળે પોલીસ કમિશનરને વોરંટની સત્તા સોંપવામાં આવે છે, જે DIG રેન્કના અધિકારી હોય છે.