પોલીસ તંત્રના રવૈયા સામે લોક માનસમાં સવાલો
વાંકાનેર: તાલુકાના કોઠી ગામેથી છ મહિના પહેલા ચોરાયેલ થ્રેસરના ત્રણ આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે, જેમાં એક સ્થાનિક કોઠી ગામના જ એક શખ્સનો સમાવેશ થાય છે…
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાયેલ એફઆઈઆર મુજબ કોઠી ગામના ગુલામઝયનુલઆબેદીન નુરમામદ બાદીએ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ (અંદાજે છ મહિના પહેલા) ઘંઉ કાઢવાના હોય ગારીડાના માહમદભાઈ માથકીયાનુ સંબંધીના નાતે ઘંઉ કાઢવાનુ થ્રેસર ચલાવવા લઇ આવેલ અને
તા.૨૪/૦૩/૨૦૨૪ ના મહીકાના માર્ગ તરીકે ઓળખાતી વાડીએ ઘંઉ કાઢેલ હતા. પરંતુ રમજાન મહીનો ચાલતો હોય અડધા ઘંઉ કાઢવાના બાકી રહી ગયેલ અને કાઢેલ ઘંઉની લારી ટ્રેકટર સાથે લઇને રાત્રીના સાડા દસ વાગ્યે ઘરે જતા રહેલ હતા અને થ્રેસર વાડીએ જ રાખેલ હતુ. ત્યાર બાદ બીજા દિવસે તા.૨૫/૦૩/૨૦૨૪ ના
રોજ સવારે વાડીએ જતા થ્રેસર જોવામાં આવેલ નહી. જેથી ફરિયાદીએ પિતા તથા સંબંધી હીદાયતભાઇને થ્રેસર બાબતે પૂછપરછ કરેલ અને આજુબાજુમાં તપાસ કરતા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાનુ જણાયેલ. બાદ અમારી રીતે થ્રેસરની તપાસ કરતા હતા. વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૪૧/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબના ગુન્હાની તપાસ દરમ્યાન થ્રેસર (હલર) ચોરી કરેલ હોવાની તથા અલગ અલગ જગ્યાએથી અવાર નવાર ચોરી કરેલ હોવાની
કબુલાત આપેલ હોય જેમાં (૧) સોંડાભાઈ શીવાભાઈ સેફાત્રા – ભરવાડ રે.ખેતરડી તા.હળવદ (૨) સાજણભાઈ રણમલભાઇ ઉર્ફે જુગાભાઈ ભરવાડ રે. કોઠી તા. વાંકાનેર અને (૩) રાહુલભાઈ ઉર્ફે ભુરાભાઈ બચુભાઇ સેફાત્રા – ભરવાડ રે.ખેતરડી તા.હળવદ વાળાઓએ ટોળકી બનાવી વાડીમાં રાખેલ થ્રેસર(હલર) ની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોવાની પોલિસ ખાતાએ ફરિયાદીને સમજ કરેલ. આસમાની કલરનુ થ્રેસર કી.રૂ.૧,૨૫,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી છે.
વધુમાં ફરિયાદી ગુલામઝયનુલઆબેદીનભાઈના ટેલિફોનિક સંપર્કમાં એમણે કહેલ કે જયારે ચોરી થઇ ત્યારે પોલીસખાતાને અરજી કરી હતી, પણ પોલીસ તંત્રે જણાવેલ કે મુદામાલ મળે ત્યારે જ એફઆઈઆર થાય. આથી એફઆઈઆર હવે છ મહિના પછી દાખલ કરવામાં આવેલ છે. જો કે પોલીસ તંત્રના આ રવૈયા સામે લોક માનસમાં સવાલો ઉઠી રહ્યા છે…