ભલગામની મહિલા અને મોરબી ગ્રામ્યના બે યુવાનોના કમકમાટીભર્યા મોત
વઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે બાઈકને ઠોકર મારતા ડબલસવારી બાઈકમાં જતા યુવાન ભોગ બન્યા
વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (ઉ. ૨૬) એ નંબર પ્લેટ વગરના બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેણે જણાવ્યું છે કે ભલગામ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૫૮૩૯ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓના બાઈકમાં તેમની પાછળના ભાગે તેના ભાભી વર્ષાબેન બેઠેલા હતા. દરમિયાન આરોપીએ તેના હવાલાવાળુ બાઈક ફરિયાદીના બાઈક સાથે અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો, અને ત્યારે ફરીયાદીના બાઇકમાં બેઠેલ વર્ષાબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી. જેથી કરીને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલેથી સારવાર લઈને ઘરે આવ્યા બાદ તેઓને માથામાં દુખાવો ઉપડયો હતો. જેથી કરીને બેભાન હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. મૃતકના દિયર દ્વારા હાલમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




બીજા બનાવમાં વઘાસીયા ટોલનાકા પાસે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડમાં આવતા ટ્રક કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું; જેથી બાઈક સહિત બંને યુવાનો ફંગોળાઈને નિચે પડી ગયા હતા, જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ બંને યુવાનના મોત થયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ડાયાભાઇ જીવાભાઈ જીંજવાડિયા (ઉ.વ.૩૨) રહે જીકીયારી તા. મોરબી અને સુખદેવ અદગામા (ઉ.વ.૨૦) રહે મહેન્દ્રનગર તા. મોરબીવાળા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસના નગીનદાસ નિમાવત સહિતની ટીમ દોડી ગઈ હતી. બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.