કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે
મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી વાંકાનેરમાં ખળભળાટ મચી ગયેલ છે…વાંકાનેર નગરપાલિકાની ભાજપની છેલ્લી બોડી હતી તેને સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે મતદાન થઇ રહ્યું છે. વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ત્રણ આગેવાનોને જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે…
વાંકાનેર પાલીકાના માજી પ્રમુખ જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, માજી ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા અને મયુર રમેશભાઈ જાદવને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વાંકાનેર પાલિકાની ગત બોડીને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવેલ હતી જેથી કરીને ભાજપની ટિકિટ તેઓને મળે તેમ ન હતું માટે આ આગેવાનોએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી જેથી કરીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના ત્રણ અગ્રણીઓ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે.
તેમની જે વોર્ડમાં ઉમેદવારી છે ત્યાં ભાજપનું મોવડી મંડળ ચાંપતી નજર રાખી રહ્યું છે અને સ્થાનિક ભાજપના આગેવાનોની ગતિવિધિઓ તેમના નિરીક્ષણ હેઠળ છે, કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે, ગેરશિસ્ત સાંખી લેવાના મૂડમાં ભાજપ નથી. હજી કેટલાક આગેવાનો પણ સસ્પેન્ડ થાય તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે…