ઇજા પામનારના માથામાં ૧૫થી ૨૦ જેટલા ટાંકા આવ્યા: રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેરમાં હસનપર ગામે રહેતા યુવાને ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા, જે બાબતનો ખાર રાખીને યુવતીના કુટુંબીઓ દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે યુવાન અને તેની સાથે રહેલ બે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને ઇજા પામેલા યુવાન સહિતના ૩ વ્યક્તિઓને સારવારમાં લઇ ગયા હતા અને ત્યાં તેઓને માથામાં ૧૫થી ૨૦ જેટલા ટાંકા આવ્યા હતા. એક વ્યક્તિને પેટના ભાગે ઇજા કરી હોવાથી જેથી ત્રણેય વ્યકિતઓને સારવાર માટે લાવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં આઠ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી; જેના આધારે પોલીસ રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના હસનપરમાં રહેતા ભરતભાઇ સતાભાઇ મુંધવા જાતે ભરવાડ (૩૩) એ હાલમાં પરબતભાઇ નાજાભાઇ, મશરૂભાઇ નાજાભાઇ, વિશાલભાઈ પરબતભાઇ, વિક્રમભાઈ પરબતભાઇ, બધાભાઇ હિંદુભાઇ, છગનભાઇ નાજાભાઇનો મોટો દીકરો અને બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે; જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી યુવાને આરોપીની કૌટુંબિક દીકરી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ ઉત્તમસિંહ અને રાહુલ ઉપર આઠ શખ્સો દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ હુમલામાં ફરિયાદી ભરતભાઈ અને રોહિતને માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી તેઓને ગંભીર થઈ હોય ૧૫થી ૨૦ જેટલા ટાંકા તેઓને માથામાં આવ્યા હતા. તેમજ ઉત્તમસિંહને પેટના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી, જેથી કરીને ભોગ બનેલા ત્રણેય વ્યક્તિઓએ સારવાર લીધા બાદ ભરતભાઈ મુંધવાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ શખ્સો ની સામે રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.