ભાગીને લગ્ન કરેલા: ખોટું મેરેજ સર્ટી રજૂ કરેલ
પોલીસખાતાએ ફરિયાદ લેવામાં આનાકાની કરતા છોકરીના પિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવેલ
વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઇ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણાવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા,
જેથી બાબતે દિકરીના પિતાએ આરોપીઓ સામે ખોટા સરકારી ડોક્યુમેન્ટ રજૂ કરવા અંગે ગુનો નોંધવા તા. ૧૫/૦૨ ના રોજ પોલીસમાં અરજી કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધવા આનાકાની કરતા આખરે અનેક રજૂઆતો બાદ ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં, જે બધા વચ્ચે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવના ચારેક મહિના પછી આરોપી યુવક-યુવતી સામે પોલીસ ફરિયાદી દાખલ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુશેનભાઇ ઉસ્માનભાઇ કડીવાર (રહે. મોટા ભોજપરા)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દિકરી જસ્મીન હુશેનભાઇ કડીવાર તથા પ્રકાશ ગંગારામ મકવાણા (રહે. નવા મકનસર, મોરબી)એ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરેલ હોય, જેના પુરાવા રૂપે તેઓએ વાંકાનેર સીટી પોલીસમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરતાં બાબતે ફરિયાદીને આ સર્ટીફીકેટ નકલી હોવાની શંકા જતા તેમણે તપાસ કરાવતા આ મેરેજ સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું હતું,
જેથી ફરિયાદીએ બાબતે તા. ૧૫/૦૨/૨૩ ના રોજ મોરબી પોલીસ અધિક્ષકને આરોપીઓ સામે બનાવટી સરકારી ડોક્યુમેન્ટ બનાવવા અને તેને સાચા તરીકે દર્શાવી સરકારી કચેરીમાં રજુ કરવા સબબ ગુનો નોંધવા ફરિયાદ અરજી કરેલ,
જે બાદ પોલીસ દ્વારા ગુનો નોંધવા આનાકાની કરતા ફરિયાદે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં, જે વચ્ચે આજે બનાવના ચારેક મહિના પછી આરોપી પ્રકાશ ગંગારામ મકવાણા અને જસ્મીન હુશેનભાઇ કડીવાર સામે આઇપીસી કલમ 466 તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….