મુકેશભાઈ ચાવડાનો પુત્ર ચાર મહીના પહેલા ગેલાભાઈની પુત્રીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધા’તા
પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિતના બે શખ્સો આધેડ પર તુટી પડી હાથ પણ ભાંગી નાંખ્યા: ગુંદાખડા ગામનો બનાવ
રાજકોટ : વાંકાનેરના ગુંદાખડા ગામે પ્રેમલગ્ન મામલે યુવકના પિતાનું યુવતીના પિતા સહીત બે શખ્સોએ અપહરણ કરી પાઈપથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખતા સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર, વાંકાનેરના ગુંદાખડા ગામમાં રહેતા મુકેશભાઈ અમરશીભાઈ ચાવડા (ઉ.વ.45) ગત રોજ સાંજે તેમની માતાનો સારવાર માટે મહીકા ગામે જતાં હતાં, ત્યારે ગુંદાખડાના બસ -સ્ટેન્ડ પાસે તેમની બાઈકને આંતરી ગેલા અને લખધીર નામના શખ્સોએ મુકેશભાઈનું અપહરણ કરી સીમ-વિસ્તારમાં લઈ જઈ પાઈપથી બે-ફામ ફટકાર્યો હતો. જે બાદ મુકેશભાઈના પરીવારે તેમની શોધખોળ આદરી છતાં કોઈ પતો ન લાગતા પોલીસને જાણ કરી હતી. દરમીયાન હુમલાખોરો તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઘર પાસે ફેંકીને નાસી છુટયા હતાં. જે બાદ તેમને સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં ઈજાગ્રસ્તના સબંધીએ જણાવ્યું હતું કે મુકેશભાઈ ખેતીકામ કરે છે. અને સંતાનમાં ત્રણ પુત્ર છે, જેમાંથી નાના પુત્રએ ગેલાભાઈની પુત્રી સાથે પ્રેમલગ્ન કરી લઈ બહારગામ રહેતો હતો.જેનો ખારરાખી અગાઉ પણ કોળીબંધુએ બે વખત મુકેશભાઈના ઘરમાં તોડફોડ કરી હતી. બાદમાં ગઈકાલે હિંચકારો હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતાં. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.