મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપી કપડાં ઉતરાવી વૃદ્ધ પાસેથી અઢી કરોડ પડાવ્યા
વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગેંગ રૂપિયા પડાવાનું શરૂ કરે તો પોલીસ ખાતાનો સંપર્ક કરવો
ઘટના વાંચવામાં ખાસ્સો સમય જશે, પણ આજના આ યુગમાં દરેક વાંકાનેરવાસી આખી ઘટના જાણવા પૂરું વાંચે; એ જરૂરી છે. દુનિયામાં કેવા કેવા બનાવો બને છે, એ જાણ્યે પગ નીચેથી જમીન સરકી જાય તેમ છે. બ્લેકમેલ કરવા ઠગ ટોળકીના અજમાવાતા આઈડિયા જાણી મગજ ચકરાવે ચઢે છે. વિડિઓ કોલમાં એમ માનીને કે સામેના પાત્રે કપડાં ઉતાર્યા છે તો આપણે ઉતારવામાં શું વાંધો? અને આવેગમાં આવી ઉતારશો તો સમજો તમારી બકરી ડબ્બામાં ! એ લોકો બહુ શાતીર દિમાગના હોય છે. વાંચો આખો કિસ્સો.
અમદાવાદના એક વૃદ્ધ ઉપર અજાણી છોકરીનો વૉટ્સઍપ મૅસેજ આવે છે. સામેની છોકરી મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપે છે. વૃધ તેની સાથે થોડો સમય ચૅટ કરે છે, ત્યારબાદ છોકરીનો વીડિયોકૉલ આવે છે. ત્યારે તેની પત્ની બીજા રૂમમાં ઊંઘતી હતી. છોકરી વર્ચ્યુઅલ સેક્સ કરવાની વાત કરે છે, પરંતુ વૃદ્ધ આનાકાની કરતા વર્ચ્યુઅલ સેક્સમાં કોઈને ખબર નહીં પડે, એમ કહીને છોકરી કપડાં કાઢી નિર્વસ્ત્ર થઇ જાય છે. છોકરી વૃદ્ધને પણ નગ્ન થવા માટે કહે છે. વૃધ્ધ ભૂલ કરે છે.
બીજા દિવસે ફોન પર વૃદ્ધનો અને એ છોકરીનો ન્યૂડ વીડિયો આવે છે. વૃદ્ધ પર તરત ફોન આવે છે કે રૂ. 50 હજાર નહીં આપે તો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેશે. વૃધ્ધ ગભરાઈ જાય છે અને પૈસા મોકલી આપે છે. પછી પોલીસના નામે ફોન આવે છે અને પૈસા માંગે છે. વૃદ્ધ એને પણ પૈસા આપે છે.

વાત અહીં પુરી નથી થતી. થોડા દિવસ પછી ઉચ્ચ અધિકારીના નામે બીજો ફોન આવે છે અને વીડિયો ડિલીટ કરવા માટે વધુ રૂપિયાની માગણી કરવામાં આવે છે. સામાજિક બદનામીના ભયથી વૃદ્ધ પૈસા મોકલી આપે છે. હવે આ લોકો અલગ-અલગ ફોન નંબર પરથી ક્યારેક સીબીઆઈ ઓફિસર તો ક્યારેક દિલ્હી પોલીસના અધિકારી તરીકે ફોન કરીને કટકે કટકે વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે. સામાજિક બદનામીના ભય અને આરોપીઓની ધાક-ધમકીને કારણે વૃદ્ધની મુશ્કેલીઓ વધતી રહે છે અને ઠગોની માગણીઓ પણ વધતી રહે છે.
વૃધ્ધ કંટાળીને પૈસા આપવાની ના પડે છે, ત્યારે એક દિવસ અચાનક જ વૃદ્ધ ઉપર ફોન આવે છે કે રિયા શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પરિવારના લોકો પોલીસમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે. તેમની પાસે સેક્સનો વીડિયો પણ છે.
કેસને સગેવગે કરવા માટે તેમની પાસે રૂ. 18 લાખ 50 હજારની રકમની માગ કરે છે. ગભરામણમાં બૅન્કના ખાતામાં વૃદ્ધ પૈસા ટ્રાન્સફર કરી દીયે છે .એ ઘટનાના થોડા દિવસ પછી ફરી એક વખત વૃદ્ધ ઉપર સીબીઆઈના ઓફિસર તરીકે ફોન આવે છે અને કહે છે કે હવે તે કેસ સીબીઆઇ પાસે છે. કેસને બંધ કરવા માટે રૂ. 29 લાખ 35 હજારની માગણી કરાય છે. વૃદ્ધને એમ કે કેસ પૂરો થયો, પરંતુ એ પછી કેસ કોર્ટમાં ગયો છે, એમ કહીને દિલ્હી હાઇકોર્ટના નામે પૈસા માંગવામાં આવે છે. એ પછી હાઈકોર્ટમાં કેસને સગેવગે કરવા માટે પૈસા મંગાવવામાં આવે છે.
આ પછી દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો ટાઇપિંગના બદલે હાથેથી લખેલો વૃદ્ધને મળે છે, ત્યાર તેમને શંકા જાય છે કે તેમને ડરાવીને છેતરવામાં આવી રહ્યા છે. આ પછી તે પોલીસમાં ફરિયાદ કરે છે, ત્યાં સુધીમાં તેમણે રૂ. બે કરોડ 4 લાખ 32 હજારનું નુક્સાન સહન થઈ ગયું હતું.

ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ બ્રાન્ચના તપાસ હાથ ધરી તો સાયબરક્રાઇમના મૂળ મોરબી નહીં, પરંતુ રાજસ્થાનના ભરતપુરના એક નાનકડા ગામ સુધી છેડા પહોંચ્યા હતા.ભરતપુરના છૂટાછવાયા ગામડાં સેક્સના વીડિયોકૉલ રેકોર્ડિંગ કરવા માટે કુખ્યાત છે. તેઓ છોકરીના ન્યૂડ વીડિયોની સાથે સામે વાળી વ્યક્તિના વીડિયોને મર્જ કરીને બ્લેકમૅલ કરે છે.
ઉપરાંત ઇ-કૉમર્સ વેબસાઇટ પર સામાન વેંચવા મૂકનારને ક્યુઆર કોડ મીક્લીને પણ તેઓ ઠગાઇ કરે છે. મોટાભાગે તેઓ સરહદ પર તહેનાત સૈનિક તરીકેની પોતાની ઓળખ આપે છે અને તેમના ડિસ્પ્લે પિક્ચરમાં સૈનિકની તસવીર પણ હોય છે. આ પ્રકારના કિસ્સામાં મોટી ઉંમરના લોકો ઝડપથી ટાર્ગેટ બની જાય છે. કારણ કે ઉંમરને કારણે સેક્સની ઇચ્છાઓ દબાયેલી હોય છે. આથી જ્યારે આવા કોલ આવે ત્યારે ઝડપથી ટ્રેપમાં આવી જાય છે. સપ્રેસિવ ડિઝાયરને કારણે તેઓ આવા વીડિયો કૉલનો ભોગ બને છે. સામાજિક બદનામીના ડરથી તેઓ આના વિશે કોઈને કહેતા ખચકાય છે અને બ્લેકમેલિંગનો ભોગ બને છે. આથી તેઓ સેક્સોનિ માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે.
સાયબર ફ્રોડથી સુરક્ષિત રહેવા માટે કેટલીક ટિપ્સ જાણવી જરૂરી છે. જે મુજબ ફ્રૉડ કરનારા લોકો રૅન્ડમ નંબર ફોન કરે છે અને જો એમાં મોટી ઉંમરના લોકો દેખાય તો તેમને પહેલાં ટાર્ગેટ કરે છે. આથી, ક્યારેય અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કે વિડિઓ કોલ ક્યારેય રિસીવ કરવા નહીં. જો કોઇ વિડિઓ કોલ રિસીવ થઈ ગયો હોય અને સાયબરકૉડનો ભોગ બન્યા હોય તો સૌથી પહેલાં સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી નીકળી જવું. આ સિવાય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિચિત લોકોને અંગત મેસેજ કરીને તમારું એકાઉન્ટ હૅક થઇ ગયું હોવાથી તમારા નામે પૈસાની લેવડ-દેવડ કરે નહીં તથા વીડિયો ખરા નહીં હોવાની સૂચના આપવી. ઠગાઈનો ભોગ બનો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધો. નિયમિત રીતે પાસવર્ડ બદલતા રહેવા, પાસવર્ડ કોઈને શેર ન કરવા, સામેથી આવેલાં ક્યુઆર કોડ દ્વારા ચૂકવણું કરવું નહીં.
ઉપરનો કિસ્સો બિલકુલ સાચો છે. વાંકાનેરના મારા પ્યારા ભાઈઓ ! હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરો કે વીડિયોકોલમાં ક્યારેય કોઈની સામે કપડાં ઉતારશો નહીં.