ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત !
બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની એક પરિણીત મહિલા સાથે સંબંધ બંધાયો હતો, ત્યારબાદ મહિલા તેના વતન એમ પી. જતી રહી હતી જોકે તેમ છતાં બંને મોબાઈલથી સંપર્કમાં હતા.
કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ બિલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ઓરડીમાં રહેતા મિલર ઓપરેટર એવા અબ્દુલ શકુરનું ત્રણ શખ્સો ઇકો કારમાં ફિલ્મીઢબે અપહરણ કરી ગયા હતા અને બાજુમાં ઓરડીમાં રહેતા અન્ય કર્મચારીઓને રૂમમાં પૂરી દેતા આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો. અપહ્યત યુવાનને છોડાવવા માટે કુવાડવા અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો કામે લાગી હતી. પોલીસે નાકાબંધી કરાવી હતી યુવક સાથે અપહરણકારો કંઇ કરે તે પહેલા જાંબુવા નજીકથી આરોપીઓ પકડાઈ ગયા હતા.
બિહારી યુવકને એમ પી.ની પરણિત મહિલા સાથે સંબંધ હોય તે મામલે તેનું અપહરણ થયાનું તપાસમાં ખુત્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કાર મોરબી તરફ ગઇ હોવાનું ખુલતા પોલીસની એક ટુકડી ત્યાં રવાના થઇ હતી, બીજીબાજુ રાજ્યભરની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. શંકાસ્પદ કાર જાંબુવા નજીકથી પસાર થતાં પોલીસે તે કારને અટકાવી અબ્દુલને મુક્ત કરાવ્યો હતો. અબ્દુલને મધ્યપ્રદેશ લઇ જઈ ત્યાં અપહરણકારો તેને ગંભીર ઇજા પહોંચાડે તેવી દહેશત હતી. ઘટના રાજકોટ રેલવે પોલીસની હદમાં બન્યો હોવાથી રેલવે પોલીસની ટીમ જાંબુવા જવા રવાના થઇ હતી, રસ્તામાં જ પોલીસે અપહરણકારોને પકડી લેતા પોલીસે રાહતનો દમ લીધો હતો.