જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો
સિંધાવદર સમાજને રાહ ચીંધે છે
એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ ગયું, સાજા ન થયા, દુષ્કાળનું વર્ષ: જિયારતમાં ન ધારેલા મોમીનો ઉમટી પડયા, ખાવાનું ખૂટી પડયુ, આટલું વાંચી તમને દુઃખ થયું? વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન સમાજની એ કમનસીબી છે કે ચાલતો આવતો રિવાજ નુકશાનકારક હોવા છતાં છોડતા નથી, એમાંય જો એ રિવાજમાં થોડીકેય મઝહબની છાંટ લાગી જાય, પછી તો અઘરી આઈટમ બની જાય છે…ટોપી પહેરવી મઝહબનીરીતે સારી વાત છે, ઘણાં વર્ષો અગાઉ વાંકાનેરમાં વસતા મોમીન સમાજમાં બ્લુ કલરના કપડાવાળી ટોપી પહેરવાનો એક ટ્રેન્ડ થઇ ગયો હતો. બ્લુ કલરની જ ટોપી પહેરવી, એવી મઝહબમાં કોઈ વાત નથી, પણ સમાજની એક ઉણપ છે કે દેખાદેખી અપનાવી લે છે. અગાઉ વિવાહમાં જાન સસરાને ત્યાં ફરજીયાત રાત રોકાતી અને બીજે દિવસે પરત ફરતી, આ રિવાજ જયારે વાંકિયાના એક સદ્દગ્રહસ્થે તોડ્યો, ત્યારે “બીકણ” નું બિરુદસમાજે ઇનામ આપેલું. એક અટકમાં છોરું પરણાવતાં નહીં, મઝહબની કોઈ પાબંદી ન હોવા છતાં પેઢીઓ સુધી આ ચાલ્યું, વાલાસણમાં પહેલી વાર આ સિરસ્તો તૂટ્યો તો ટીકાઓ વરસી પડેલી.
એવું જ સમાજમાં જીયારત પછી બનાવવામાં આવતા ખાણા અંગે છે. મરહુમના માટે ગરીબ, મજબૂર ફકીરો કે યતીમોને ખાણું ખવડાવવું એ એક જુદી વાત છે. મઝહબી વાતનો વિરોધ ન હોઈ શકે, પણ એવી વાત કે જેને મઝહબ સાથે લેવા દેવા નથી, અને છતાંયે મઝહબ સાથે એ વાત જોડી દેવામાં આવે, તે ખોટું છે – તેનો વિરોધ કરવો, લાઝમી છે.
મોમીન સમાજમાં મરહુમના સવાબ અર્થે જીયારતનું ખાણું ખવડાવવામાં આવે છે. ખાણું ખાતા જમૈયાઓને જો જો, એમાં કોઈ યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ દેખાય છે ? અથવા તમે જો ખાણું ખાતા હો તો તમારા દિલને પૂછજો કે તમે એ શ્રેણીમાં આવો છો? સમાજનો ગરીબ માણસ કે જેનો બિમારીનો ઇલાજ કરવાનો વેંત ન હોય, ઉછીના ઉધ્ધારા કરી – વ્યાજે લઈ ઇલાજ કરેલો હોય. અરે, ઝકાતના પૈસા આપતી સંસ્થાઓ પાસેથી ઇમદાદ લઈને ઇલાજ કરાવેલો હોય, તે વ્યકિત ગુજરી જાય અને એની જીયારત પાછળ ૫૦ થી ૬૦ હજારનું ખર્ચ કરવામાં આવે અને એમ માનવામાં આવે કે મરહુમની રૂહને સવાબ મળશે, શું આ યોગ્ય છે ? જો મોટું કુટુંબ કે બહોળું સગુ હોય તો આ આંકડો અત્યારની મોંઘવારી પ્રમાણે ૧ લાખે પણ પહોંચી જાય, પછી દશમુ, વીશમુ અને ત્રીશમું કરવામાં આવે છે, ઘરમાં ગરીબી આંટો મારતી હોય, ત્યારે પણ સમાજની શરમે કે દેખાદેખીથી ગજા બહાર ખર્ચો કરવામાં આવે. આવું કરવા માટેની એક હદીસ તો બતાવો ! દેખાદેખીની પણ હદ હોય !!
જો તમારે મરહુમની રૂહને સવાબ પહોંચાડવાની તમન્ના હોય તો જીયારત, દશમા અને વીશમા પાછળ થતા ખર્ચની રકમ કોઈ મદ્રેસામાં કે મસ્જીદ બનાવવામાં આપો, ઘણુંયે મૂકીને ગયા છે, જો ખર્ચ નહિં કરીએ તો સમાજમાં ટિકા થશે, એવી ટિકાથી ડરવું નહિં અને તમારે આ બાબતમાં કોઈની ટિકા કરવી નહિં. બલકે દેખાદેખી છોડનારની પીઠ થાબડવી. જીયારતમાં જાવ પણ નક્કી કરી લો કે ખાવા નહિં રોકાવ. એ ખાણું ખાવાનો તમારો અધિકાર હોય મતલબ કે તમે યતીમ કે ફકીર હો તો જ ખાજો. જેમ બ્લુ ટોપીને તિલાંજલિ આપી તેમ આ પ્રથાને પણ છોડવાની જરૂર છે.
આ બાબતમાં વાંકાનેરના સીંધાવદરે દશકા પહેલાથી પહેલ કરીને પ્રશંસનિય કામ કર્યું છે. ગામ સમૂહ પરાસરા ઇસ્માઈલ અલીભાઈના ઘરે ભેગા થયા. માત્ર અંગત એટલે કે બહેન- દીકરીઓ સિવાય કોઇને જમાડવા નહિં. દફનવિધિ બાદ ચા પાણી પાવા નહિં. દશમા- વીશમા-ત્રીશમાના લોબાન વખતે જમાડવા નહિં, એવું નકકી કર્યું. સરપંચ ઇસ્માઇલભાઈના જણાવ્યા પ્રમાણે પછી આલમગીર ફરસાણ વાળા અમનજીભાઈ ગુજરી ૧૦-૨૦-૩૦ ના લોબાનની પ્રથા બંધ કરાઈ, અને પરાસરા હુસેન આહમદથી જીયારતની પ્રથા બંધ થઇ. વર્ષે કેટલું નાણું હવે બચતું હશે? હવે બધાને ખબર પડી ગઇ છે કે સીંધાવદરમાં જીયારતમાં જમાડતા નથી, આથી કોઇ રોકાતું પણ નથી. સીધાવદર ગામને અભિનંદન આપીએ કે સમાજની શરમ રાખ્યા વગર સાચી રાહ અપનાવી છે. જિયારતમાં લોકો ઓછા આવશે, એવી બીક શા માટે રાખવી? માત્ર ખાવાની આશાએ આવનારાઓનું કામ પણ શું છે? આંગતુકો કુરઆન મજિદની તિલાવત કરે, દરૂદ શરીફનો સવાબ મર્હુમની રૂહને બખ્શે- એ અગત્યનું છે, સમાજના બીજા ગામો પણ આ ચીલો પકડે એ જરૂરી છે. આવો, એક સારી પહેલ કરીએ. મરહુમના સવાબ અર્થે મદ્રેસામાં કે કોઈ સારા ઠેકાણે ખર્ચ કરીએ. જીયારત પાછળ ખવડાવવાના અટકાવીએ. દુઃખની વાત છે કે દશકા પછી પણ બીજા ગામોએ અનુસરણ કર્યું નથી. સમાજમાં પીરઝાદાના બોલનું વજન પડે એમ છે, એમણે આ બાબતમાં મઝહબના સાચા મસઅલ્લા જણાવવા જોઈએ, તો મઝહબને નામે થઇ પડેલો આ રિવાજ બંધ થશે, એવું લાગે છે.
પંચાસિયાના કડીવાર ટ્રેડર્સ (ઇસ્માઇલભાઈ) ના સૌજન્યથી મળેલ ફતવાનો નીચેનો જવાબ વાંકાનેર વિસ્તારના મોમીનો એક વાર નહીં, ત્રણ વાર વાંચી જયારે પણ જિયારતમાં જવાનું બને, ત્યારે ખાવા ન રોકાય, સિવાય કે બહેન, દીકરીઓ, ફઈ, માસી, મામી, કાકી જેવા અંગત સગાઓ હોય, ભાવિ પેઢીને આપણે કુરિવાજો વારસામાં આપશું?