જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન
જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય તો બોતેરૂ કાઢે તેવી શકયતા હોય છે. એટલે ચોમાસાના 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય. મોટાભાગના ખેડૂતો જેઠ સુદ બીજના દિવસે રાત્રીના સમયે આકાશ પર નજર રાખીને બેસે છે; કેમ કે, આવનારા ચોમાસાના એંધાણ નક્કી થતા હોય છે. જો આ દિવસે વીજળી થાય તો ખેતી પાકનું વાવેતર મોડું કરે છે અને જો વીજળી ન થાય તો સમયસર વરસાદ થાય તેવું માને છે.




વરસાદનું અનુમાન કરવા માટેના અનેક પ્રયોગો છે. જેમાંનો એક જેઠ સુદ બીજના દિવસે ખુલ્લા આભમાં વીજળી થાય, તો તેના પરથી વરસાદની સ્થિતી નક્કી થાય છે. ઓણ સાલ ચોમાસું સારૂ રહે તેવા એંધાણો આગાહીકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેઠ સુદ બીજના દિવસે રાત્રીના વરસાદના એંધાણ નક્કી કરી પાણી ઘરાવતા ખેડૂતો દ્વારા ધીમે-ધીમે ઓરવીને વાવેતર કરવાની શરૂપાત થશે. જૂજ ખેડૂતોએ જ ઓરવીન વાવેતર કરી દીધુ છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે ગણ્યાગાંઠયા ખેડૂતોએ વાવેતર કર્યું હોય તેવા રિપોર્ટ આવી રહ્યા છે.