11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક
ઝાટકે તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો અને મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસ-નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા
હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ
લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા
પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું.