વાંકાનેર: ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભાજપના આગેવાન સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે. જો કે, આ ગુનામાં હજુ પણ પાટીદાર આગેવાનના દીકરાની ધરપકડ કરવાની બાકી છે.
ધમધમતા બોગસ ટોલનાકા મામલે જે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં જે આરોપીઓનું નામ જોગ ઉલ્લેખ હતો, તે મુજબના આરોપીઓને હાલમાં પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. જોકે દરરોજ ત્યાં ગેરકાયદેસર ઉઘરાણા કરવા માટે કોણ બેસતા હતા? કોના કહેવાથી બેસતા હતા? રોજનું કલેક્શન કેટલું હતું ? અને તે રૂપિયા કોને આપવામાં આવતા હતા ? અગાઉ વઘાસિયામાં ઉઘરાણા બાબતે ઝઘડાની ફરિયાદ થઇ હતી, તો ત્યારે પોલીસખાતાને કેમ ખબર પડી નહીં? શું પોલીસખાતું શાહમૃગ બની બેઠું હતું? આરોપીની ધરપકડમાં વાર કેમ લાગી? કમુરતા ઉતરે એની રાહ જોવાતી હતી? ઉઘરાણાની રકમની રિકવરી થશે? લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેમ નહીં? તે સહિતની બાબતનો આજ દિવસ સુધી કોઈ ખુલાસો થયેલ નથી. જોકે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં તે હકીકત બહાર આવશે કે કેમ તે પણ સમય જ બતાવશે…