એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે
ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી
સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે
ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો ખ્યાલ રાજ્ય સરકારને આવતો નથી. જે ડુંગળી નિકાસબંધી પહેલાં ૭૦૦-૮૦૦ રૂપિયે મણ વેચાતી હતી તેના હવે ખેડૂતોને ૧૦૦ રૂપિયા પણ મળતા નથી. રાજ્યમાં લૂંટ ચલાવતા વેપારીઓની નફાખોરીનો ઉત્તમ નમૂનો ડુંગળી છે.
સીધો અર્થ એ થાય છે કે એક કિલો ડુંગળી વેચતા ખેડૂતને માત્ર પાંચ રૂપિયા ભાવ મળે છે પરંતુ તે ડુંગળી જયારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ ૪૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે.
રાજ્યના કૃષિમંત્રી અને તેમનો વિભાગ પોષણક્ષમ ભાવોની વાતો કરે છે પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને જતો ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી. નિકાસબંધીના કારણે ખેડૂતોની ડુંગળી ખેતરમાં સડી રહી છે, કારણ કે વેપારીઓ તેમને પોષણક્ષમ ભાવ આપતા નથી પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં ઉંચો ભાવ લઈ રહ્યાં છે.
ખેડૂતોને ડુંગળીના પડતર ભાવ પણ મળતા નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે તો સરકાર ખેડૂતોના પાકને ખરીદીને તેનો બફર સ્ટોક કરે છે પરંતુ ડુંગળીમાં રાજ્ય સરકાર ચૂપ છે. એક સમયે ડુંગળીના ભાવ ગગડી ગયા હતા ત્યારે સરકારે પ્રતિ કિલોએ ખેડૂતોને બે રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ નિકાસબંધી પછી સરકાર બે હાથ જોડીને તમાશો જોઈ રહી છે.
સરકારે ડુંગળીના ભાવ ઘટાડવા માટે નિકાસબંધી જાહેર કરી છે પરંતુ તેનાથી ખેડૂતો અને ગ્રાહકોને કોઈ ફરક પડ્યો નથી. ડુંગળીના ભાવની મલાઈ તો ખેત બજાર સમિતિઓ અને હોલસેલના વેપારીઓ ખાઇ રહ્યાં છે. ખેડૂતોને એક મણના ૧૦૦ રૂપિયા પણ મળતા નથી. રાજ્યના ખેડૂતોને આ વર્ષે કમોસમી વરસાદથી પાકોમાં ખૂબ નુકશાન થયું છે. હવે ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ નાહ્યા છે.
મોંઘા બિયારણ, ખાતર, માવજત, પાણી અને મજૂરી પછી ટ્રાન્સપોર્ટેશનમાં લવાતી ડુંગળીના ખેડૂતોને પડતર ભાવ પણ મળી રહ્યાં નથી. હજી પણ સિઝનમાં ડુંગળીની પુષ્કળ આવક થવાની ત્યારે ખેડૂતોની માગણી છે કે સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે. નિકાસબંધીના કારણે ખેડૂતોને તેમની ડુંગળી સ્થાનિક માર્કેટમાં વેચવાનો વારો આવ્યો છે.