મંદિરના ૨૫ માં વર્ષે મારુતિ યજ્ઞ, રાંદલ માતાજી ઉત્સવ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તા. ૨૨ ના ઉજવાશે
વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભવ્ય રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આજથી ૨૫ વર્ષ પહેલા આ ડુંગરાળ વિસ્તારમાં દુર્ગમ પણ નયનરમ્ય કુદરતી વાતાવરણમાં હનુમાનજી દાદાની નાની એવી દેરી હતી તેમજ ગાત્રાળ માતાજીનું મંદિર હતું. વર્ષો પહેલા આ સ્થળે જવા માટે રસ્તાઓ પણ ન હતા. જંગલ અને ડુંગરાળ વિસ્તાર હોવાથી ભક્તોને જવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો પરંતુ મનની મનોકામના પૂર્ણ કરનાર હનુમાનદાદા પ્રત્યે ભક્તોમાં શ્રદ્ધા હોય પહેલા એક બે એમ ભક્તોનો પ્રવાહ વધતો ગયો અને ત્યાર બાદ અમુક ભક્તો દ્વારા નિયમિત દર્શન કરવાનો સંકલ્પ કરવામાં આવેલ. નિયમિત દર્શન કરવા જતા ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને ધંધા રોજગારમાં વૃદ્ધિ થઈ જેના કારણે ભક્તિનો ઘસારો વધવા લાગ્યો, પરિણામે આજે નિયમિત દર્શન કરવા જવા વાળાની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જેમ જેમ દર્શનાર્થીઓ વધતા ગયા તેમ તેમ મંદિરનો વિકાસ થતો ગયો; સાથે જ દર્શનાર્થીઓ વાહન લઈ જઈ શકે તે માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો. આજે ગઢિયા હનુમાનજી દાદાના દર્શન કરવા જવા માટે પાક્કો નહીં પણ દરેક વાહન સરળતાથી પહોંચી શકે તેવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્તોમાં શ્રદ્ધા વધી સાથે જ દાતાઓ દ્વારા દાનની સરવાણી વધી તેથી મંદિરના તેમજ તે વિસ્તારના વિકાસ વિકાસ માટે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળની રચના કરવામાં આવી.
શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા દાતાઓ તરફથી દાન મળતું ગયું તેમ ત્યાં અનેકવિધ ધાર્મિક તેમજ પ્રકૃતિના જતન માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૃક્ષા રોપણ, પક્ષીઓ માટે ચબુતરો, બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદ જેવા કાર્યકેમો થકી લોકોને ગઢિયા હનુમાનજી દાદાના દર્શન માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી. હવે તો છેલ્લા કેટલાક વર્ષોથી વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ વેપાર સેલના શૈલેષભાઈ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા સહિતના નેતાઓ પણ દાદામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને નિયમિત તેમજ પ્રસંગોપાત અવશ્ય હાજરી આપે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. તમામ ભક્તોએ આપેલા સહયોગથી આજે ગાત્રાળ માતાજીનું મંદિર તેમજ હનુમાનજી દાદાના મંદિરનો ખૂબ વિકાસ થયો છે.
આગામી તા. ૨૨ ના રોજ ગઢિયા હનુમાનજી દાદાના મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થઈ ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઇ રહ્યો છે ત્યારે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા કુદરતી વાતાવરણમાં જંગલની વચ્ચે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગાત્રાળ માતાજીના સાનિધ્યમાં બિરાજમના હનુમાનજી દાદાના મંદિરનો પાટોત્સવ મહોત્સવ ઉજવવામાં આવશે સાથે જ મારુતિ યજ્ઞ , રાંદલ માતાજી ઉત્સવમાં માતાજીના લોટા તેડવામાં આવશે અને કાર્યક્રમને અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રજત જયંતી મહોત્સવમાં શહેરના તમામ હનુમાનજીના મંદિરના ફોટાઓ પાટોત્સવ મહોત્સવમાં રાખવામાં આવશે અને દરેક મંદિરે પ્રસાદ પહોંચાડવામાં આવશે આ ભગીરથ કાર્ય માટે એક ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ દ્વારા શહેરના ફોટોગ્રાફીનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. વધુમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આ રજત જયંતી મહોત્સવમાં આવવા જવા માટે સરકારી હોસ્પિટલ પાસેથી ગઢિયા હનુમાનજી મંદિર સુધીની વાહન વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ મહોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવવા તેમજ મહાપ્રસાદ માટે આયોજકો દ્વારા તમામ ભક્તોએ લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ રસ્તો ભૂલે નહીં તે માટે મંદિરના રસ્તે ઠેર ઠેર ઝંડી લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું…