આંગણવાડી કેન્દ્રમાં આવવા- જવાના રસ્તે પાણી ભરાઈ રહે છે
વાંકાનેર: તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા- જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે…

જાણવા મળ્યા મુજબ લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાનના પ્રવેશ દ્વાર પાસે જ ચોમાસામાં ઢીંકણ સમાણા વરસાદના પાણી ભરાઈ રહેતા હોવાથી જતા- આવતા બાળકોને પાંયચા ચડાવીને પસાર થવું પડી રહ્યું છે. ક્યારેક તો પાણીના વધુ પ્રવાહને લીધે બાલ મંદિરમાં પણ પાણીનો ભરાવો થઇ જતા સંચાલિકાને ડોલ લઈને પાણી ઉલેચવું પડે છે…

અધૂરામાં પૂરું ઠેઠ રોડથી આંગણવાડીના પગથિયાં સુધી ભરાતા પાણીની લંબાઈથી બચવા બાળકો પ્રવેશ દ્વાર પાસે ગટર દીવાલની પાળી પર ચાલીને જતા હોય છે, ત્યારે બાળક લપસીને પડી જાય અને હાથ-પગ ભાંગે તેવી પણ શક્યતા છે, આંચકા આપનારી હકીકત એ છે કે ગટરનું પાણી પાઇપ સાંકડો હોઈ ભરાઈ રહે છે, એક તો ગટરનું પાણી અને બીજું વરસાદી પાણી- પાણીનું વહેણ ગટરને બદલે બાલ મંદિરના પ્રાંગણ તરફ ફંટાય છે કોઈ દુર્ઘટના ઘટે તેવી શક્યતા છે બાલમંદિરનું મકાન જયારે બનાવ્યું ત્યારે ભરતી ભરીને રોડથી વધુ ઊંચાઈએ બનાવવાની જરૂર હતી ગટરના ગંદા પાણીનું વહેણ અટકે નહીં તે માટે ગટરમાં અને ફરતે ઉગેલા બાવળીયા કાઢવાની, પાઇપ મોટા ગાળાના નાખવાની, ગટર પાણીનું વહેણ સુવ્યવસ્થિત કરવાની અને રોડથી આંગણવાડીના ફળિયા સુધી તાસ નાખવાની જરૂર છે … તંત્ર જાગશે?


