આરોપીઓ ભાવનગર જિલ્લાના
ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કારને ટક્કર મારીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે તાત્કાલિક જીલ્લા નાકાબંધી કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 72.50 લાખ અને વાહન તેમજ મોબાઈલ ફોન મળીને કુલ 81.50 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે…
જાણવા મળ્યા મુજબ રાજકોટની બેંકમાંથી રોકડા રૂપિયા 90 લાખ લઈને આંગડિયા પેઢીના માલિક બુધવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી કારમાં મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કાર નંબર જીજે 3 એનકે 3502 નો પીછો કરતી પોલો અને બલેનો કારના ચાલકોએ મીતાણા નજીકથી આંગડિયા પેઢીના રોકડા રૂપિયા 90 લાખ લૂંટવા માટે આંગડીયા પેઢીના સંચાલકની કારને રોકવાના પ્રયાસ શરૂ કર્યા હતા. કાર રોકવામાં આવી ન હતી અને આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ તેના ડ્રાઇવરને ગાડી મારી મૂકવાનું કહ્યું હતું. ત્યારે ટંકારા નજીક આરોપીઓએ પોતાની કારથી નિલેષભાઈ ભાલોડીની કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી નિલેશભાઈની કાર ખજુરા હોટલના પાર્કિંગ એરિયામાં પહોચી ગઈ હતી. ત્યાર બાદ આરોપીઓએ નિલેશભાઇની ગાડીમાંથી રોકડા 90 લાખ ભરેલ બે થેલાની ધોળા દિવસે સનસનીખેજ લૂંટ કરી હતી…
જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા સાત શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ જેના આધારે પોલીસે આ ધાડ-લુંટના ગુનામાં અભિભાઇ લાલાભાઈ અલગોતર (24) રહે.જુની માણેકવાડી કાંત સ્ટુડીયો વાળા ખાંચામાં ભાવનગર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવ (25) રહે રૂપાણી સર્કલ પાસે ભાવનગરની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લુંટારૂઓ જેમાં હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે સાજણાસર તા.પાલીતાણા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે.ત્રણેય ભાવનગર અને એક અજાણ્યો શખ્સ આ પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…
ઘટના બની રહી હતી ત્યારે જ પોલીસને બનાવની જાણ થઈ ગયેલ હતી. જેથી એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી.એ.ઝાલા અને ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ પોલીસે જીલ્લામાં નાકાબંધી અને મોરબીના આજુબાજુના જિલ્લાઓને એલર્ટ કરી દીધા હતા. જેથી ગણતરીની કલાકોમાં જ પોલીસને સાત પૈકીનાં બે આરોપીને પકડવામાં સફળતા મળી ગયેલ હતી અને તે આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપીયા 72.50 લાખ, પોલો કાર નં. જીજે 01 આરઈ 7578 જેની કિંમત 4 લાખ, બલેનો કાર નંબર જીજે 4 ઇપી 7878 જેની કિંમત 5 લાખ તેમજ 5 મોબાઈલ ફોન જેની કિંમત 50 હજાર તેમજ લુંટ-ધાડમાં ગયેલ ડોકયુમેન્ટ ભરેલ બેગ, છરી, લાકડાનો ધોકો, મરચાની ભુકી વિગેરે મળીને 81.50 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેવી માહિતી એસપી રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદમાં આપી હતી…
