વાંકાનેરમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી, જે અંગે કોઈ ગુન્હો દાખલ થયો નથી
વાંકાનેર: વાંકાનેર સહિત રાજયભરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તોડફોડ કરી ચોરી કરતી રાજસ્થાની ગેંગના બે શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રૈયાધાર પર મારવાડીનગરમાં રહેતા બંને રાજસ્થાની શખ્સોએ રાજકોટમાં ચાર, સુરતમાં પાંચ, ટંકારામાં બે, વડોદરામાં ત્રણ, વાંકાનેરમાં એક, ભરુચ એક અને અંકલેશ્વરમાં એક એટીએમમાં તોડફોડ કર્યાની કબુલાત આપી છે.
ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ પતરાના ટુકડા કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓ એસબીઆઈના એટીએમને જ મુખ્યત્વે નિશાન બનાવતા હતા. તેની પાછળનું કારણ એવું છે કે એસબીઆઈના એટીએમ જે કંપનીના હોય છે તેમાં આરોપીઓના જણાવ્યા પ્રમાણે આસાનીથી ઘાલમેલ થઈ શકતી હતી. જેથી આવા એટીએમમાં જઈ આરોપીઓ પહેલાં પોતાના ખાતામાંથી રૂા.500 કે રૂા.1000 ઉપાડી લીધા બાદ જયાંથી ચલણી નોટો નીકળે છે તે ખાનામાં લોખંડનું વાય આકારનું એક ઓજાર ભરાવી દેતા હતા. જેને કારણે જે પણ ગ્રાહક પછીથી એટીએમમાં પૈસા કઢાવવા જતો ત્યારે તેના ખાતામાંથી રકમ ડેબીટ થઈ જતી હતી. પરંતુ તે રકમ આરોપીઓએ ભરાવી દીધેલા ઓજારને કારણે બહાર નીકળી શકતી ન હતી. આ સ્થિતિમાં ગ્રાહક એટીએમમાંથી બહાર નીકળી ગયા બાદ આરોપીઓ અંદર જઈ ઓજારને બહાર કાઢી રકમ પણ કાઢી લેતા હતા. એટીએમમાં તોડફોડ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.
એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર રાજસ્થાનની ટોળકીના બે સભ્યો બલવીર ઉર્ફે બીરબલ ચંપારામ ચૌહાણ (ઉ.વ.34, રહે. ગામ જશવંતાબાદ, તા. રીયાબડી, જી.નાગોર) અને દિનેશ મદનલાલ ભાટી (ઉ.વ.30, રહે. ગામ કાલેસરા, તા.પીસાંગન, જી. અજમેર)ને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે રોકડા રૂા. 30 હજાર, ત્રણ પતરાના ટુકડા, ત્રણ એટીએમ કાર્ડ, બે મોબાઈલ ફોન અને ચોરાઉ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટંકારામાં પણ બે એટીએમમાં ત્રાટકયાની જેમાંથી રૂા. 7500 મળ્યાની ઉપરાંત વાંકાનેરમાં પણ એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. જે અંગે કોઈ ગુના દાખલ થયા નથી. બંને આરોપીઓની પૂછપરછમાં રાજસ્થાનમાં રહેતા અન્ય બે આરોપીઓ બહાદુર અને સુરજ ચૌહાણનું નામ ખુલ્યું છે.