ભલગામ નજીક ખાણ ખનીજ વિભાગનું ઓપરેશન
મોરબી : ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ગઈ કાલે સોમવારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી બે રેતી ભરેલા ડમ્પરને ખનીજ ચોરી બદલ પકડી પાડી અંદાજે રૂપિયા 60 લાખનો મુદામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ સોમવારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખાણ ખનીજના માઇન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતેથી ડમ્પર નંબર GJ-13-AW-9783 અને GJ-13-AW-9798ના ચાલકને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ પકડી પાડી વાંકાનેર પોલીસ મથક ખાતે 60 લાખની કિંમતના બન્ને વાહનો સિઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.